Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ધારાસભ્ય મહેશ વસાવાએ આદિવાસી સમાજનાં પડતર પ્રશ્નોનું નિવારણ કરવા માંગ કરી.

Share

ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિજાતિ સલાહકાર પરિષદના સભ્ય મહેશભાઇ વસાવા દ્વારા ગુજરાતની પૂર્વ પટ્ટીમાં વસવાટ કરતા આદિવાસી સમુદાયના સામાજીક, આર્થિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટેના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા બાબતે સંબંધિત પ્રશ્નો સાથે મુખ્યમંત્રી અને આદિજાતિ સલાહકાર પરિષદના ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે.મળતી વિગતો મુજબ ધારસભ્યએ મુખ્યમંત્રી અને આદિજાતિ સલાહકાર પરિષદના ચેરમેનને ગુજરાતના પૂર્વ પટ્ટીમાં વસવાટ કરતાં આદિજાતિ સમુદાયના સામાજીક, આર્થિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટેના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં આદિવાસી સમુદાયના પડતર પ્રશ્નોની રજૂઆત કરી તેનું નિવારણ કરવા રજુઆત કરવામાં આવી છે.જે પ્રશ્નોની રજૂઆત થઇ છે તેમાં (૧) ભારતના બંધારણની પાંચમી અનુસૂચિના અમલ માટે અનુસૂચિત જનજાતિ ક્ષેત્રોમાં સ્થાનિક પ્રજાને વિશેષ જોગવાઈની જાણકારી મળે તે ઉદ્દેશથી જનજાગૃતિના ભાગરૂપે ગ્રામ પંચાયતો દ્વારા જાહેર જગ્યાએ બોર્ડ લગાવેલ છે જેને કેટલાક ઇસમો દ્વારા ગેરમાર્ગે દોરી સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે, જે સંદર્ભે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓને પાંચમી અનુસૂચિની જોગવાઈની જાણકારી આપવાની જરૂરિયાત છે. પેસા કાયદાની જોગવાઇઓ અને રૂઢીગત ગ્રામ સભાનું મહત્વ અને સર્વોપરિતા અંગે જાણકારી આપવામાં આવે તો વહીવટીતંત્રના અમલદારો વચ્ચે ઘર્ષણ ટાળી શકાય તેમ છે, તે બાબતને અતિ ગંભીર ગણી પાંચમી અનુસૂચિ અને અસરકારક રીતે લાગુ કરવા ભલામણ કરી છે, (૨) ૧૯૯૧ની ગેટ કરારની જોગવાઇઓનું અમલીકરણ ૧૯૯૫ થી ચાલી રહ્યું છે. શિક્ષણમાં ખાનગીકરણને કારણે સર્વ માટે શિક્ષણની સમાન તકનો આદર્શ આપણે ભૂલી ગયા છીએ,જેના કારણે સમાજમાં અસમાનતાનું પ્રમાણ વધી રહયું છે. આદિવાસી ક્ષેત્રમાં આર્થિક કારણોસર શિક્ષણની તકો છિનવાઈ રહી છે. અનૂસૂચિત જનજાતિ ક્ષેત્રોમાં ખાનગીકરણ પર પ્રતિબંધ લગાવી અસમાનતાનું પ્રમાણ ઘટાડી શકાય તેમ છે. ખાનગીકરણને સરકાર દ્વારા પ્રોત્સાહન મળતું રહેશે તો અસમાનતા વધશે અને વર્ગવિગ્રહની સ્થિતી નિર્માણ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી, જેથી સરકારે હાલના નિયમમાં ફેરફાર કરી અનુસૂચિત જનજાતિ ક્ષેત્રોમાં અનુદાન આધારિત શૈક્ષણિક સંસ્થાઓને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે. આ ઉપરાંત આદિવાસી ક્ષેત્રમાંથી મજુરના કારણે સ્થળાંતર કરવાની ફરજ પડે છે જેથી પ્રવાસી મજૂરોના બાળકોના શિક્ષણ પર માઠી અસર થાય છે. પંદરથી વીસ ગામ કલસ્ટર બનાવી પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક વિભાગનુ શિક્ષણનું મળી રહે તેવી જોગવાઈ કરવાની જરૂર છે, (૩) સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવ્યા છે, આ માળખામાં પૂરતા નર્સ ડૉક્ટર અને પેરામેડિકલનો સ્ટાફનો અભાવ જણાય છે આથી ગરીબ દર્દીઓને ખાનગી ડોક્ટર પાસે સારવાર કરાવી પડે છે જેથી આદિવાસી ક્ષેત્રમાંથી તબીબી શિક્ષણ મેળવીને એમબીબીએસ તથા એમડી કે એમએસ થયેલ નિષ્ણાત તબીબોને હોસ્પિટલની સુવિધા માટે તાલુકા મથકે અથવા અનુકુળ સ્થળે હોસ્પિટલો ઊભી કરવામાં આવે માટે આરોગ્ય પ્રોત્સાહક નીતિ ઘડવી જરૂરી જણાય છે, તે બાબતે વિચારણા કરવા ભલામણ કરી છે, (૪) હર હાથ મેં કામ હર ખેત મે પાની અંગેનો સરકારનો અભિગમ છે. સરકારે સુજલામ સુફલામ નીતિનો અમલ શરૂ કર્યો છે ત્યારે અનુસૂચિત જનજાતિ ક્ષેત્રોમાં ખેડૂતોને સિંચાઇનું પાણી મળતું નથી. આદિવાસી ક્ષેત્રમાં નદી પર બેરેજ કે નાના કદના ડેમ બનાવી પાણી સંગ્રહ કરી સિંચાઈ સુવિધા કરવી જરૂરી છે. ભૂગર્ભ જળનું સ્તોત્ર ઘટી રહ્યુ છે અને ઉકાઇ, નર્મદા જેવી મોટી સિંચાઇ યોજના તથા નાના મધ્યમ કદની સિંચાઈ યોજનાઓ દ્વારા ખેડૂતોને લાભ મળે તે અંગે બજેટમાં જોગવાઈ કરી સવલત મળવી જોઈએ, (૫) રાજ્યમાં વાસ્તવિકતા એવી પણ છે કે શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. મોંઘું શિક્ષણ મેળવીને અભ્યાસ પૂર્ણ કરનાર શિક્ષિત બેરોજગારને કામ મળતું નથી. આજે બેરોજગાર યુવકો રચનાત્મક અભિગમને સ્થાને ખંડનાત્મક વૈચારિક એકતા ઉભી થાય તે સ્વભાવિક છે. ખાનગીકરણના અભિગમને બદલે નિયમિત ભરતી પ્રક્રિયા હાથ ધરી લાંબા સમયથી ખાલી જગ્યાઓ પર નિયમિત કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે. બેરોજગારોના સાચા આંકડા તાલુકા-જિલ્લા વાર જાહેર કરવામાં આવે તથા જિલ્લામાં આવેલી જીઆઇડીસી વિસ્તારમાં કાર્યક્ષેત્ર ગામોના બેરોજગાર યુવાનોને ટ્રક મીની બસ તથા ટ્રાવેલિંગ માટે ધિરાણ મળી રહે તેવી જોગવાઈ કરવી જોઈએ, (૬) અનુસૂચિત જનજાતિ ક્ષેત્રોમાં ગ્રુપ ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવેલ છે. સામાન્ય રીતે ૧૦ થી ૧૨ ગામ મળીને એક ગ્રુપ પંચાયત બને છે, નાંણાપંચનુ અનુદાન જે તે ગ્રામ પંચાયતના ખાતામાં જમા થાય છે, આથી ગ્રુપ ગ્રામ પંચાયતનાં પદાધિકારી ગ્રામપંચાયતનું વિભાજન કરવામાં રસ દાખવતા નથી અને અનુદાનનો મનસ્વી વપરાશ કરે છે. જેથી સર્વાંગી વિકાસનો અભિગમ સિદ્ધ થતો નથી. પ્રથમ તબક્કે રેવન્યૂ ગામો અને ૫૦૦ કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે તથા વન વસાહતી ગામોને રેવન્યુ દરજ્જો મળે તેવી જોગવાઈ કરી ગ્રામ પંચાયતની રચના કરવાની ઝુંબેશ ચલાવવી જરૂરી છે. સ્વતંત્ર ગ્રામ પંચાયત દ્વારા કુપોષણના પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાય તથા શિક્ષણનો વ્યાપ વધારવા આયોજન કરી શકાય ગામનો પ્રશ્ન ગામમાં સરળતાથી ઉકેલી શકાય જેથી સ્વરાજ કે આપણા ગામમાં આપણું રાજના અભિગમને સાર્થક કરી શકાય તેમ છે, (૭) આદિજાતિ ક્ષેત્રોમાં જળ જંગલ અને જમીનનું રક્ષણ થાય તથા તેના આધારિત રોજગારીની તકો ઉભી કરી શકાય તેમ છે. કેન્દ્ર સરકારના વન અધિકાર કાયદા અન્વયે વર્ષોથી ખેડાણ કરતા ખેડૂતોને જમીન અંગેની સનદ આપવામાં આવેલ છે. આ જમીન ખેતીલાયક ઉપજાઉ બને તે માટે સમતળ કરવા સિંચાઈ સુવિધા મળે તે માટેની સવલતો ઉભી કરવાની જરૂરિયાત છે. જંગલની જમીન મળેલ હોય તે જમીન ઉપજાઉ બનાવી આંબા, સરગવા તેમજ ફળાઉ ઝાડ ની રોપણી કરી ઉત્પાદન મેળવી શકાય. વાડી યોજના ઝુંબેશમાં આવા ખેડૂતોને સમાવેશ કરી જમીન ઉપજાઉ બનાવી આર્થિક સક્ષમ બનાવી શકાય આ બાબતને વિચારણામાં લેવી જરૂરી છે અને (૮) જંગલની જમીનો ખાનગીકરણ થઇ રહ્યું છે. જમીન ભાડાપટ્ટે કે લીઝ પર આપવાની નીતિથી વનનીતિની જોગવાઇઓનો ભંગ થઇ રહ્યો છે. જેથી પર્યાવરણ સંતુલનના પ્રશ્નો ઊભા થયા છે. આ અંગે પુનર્વિચારણા કરવાની જરૂર છે. જંગલ જમીન ખાનગીકરણ થઇ રહ્યું છે. જંગલી પશુઓના સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો છે, આથી માનવ વસ્તીમાં જંગલી પશુઓનું આક્રમણ સ્થાનિક લોકો માટે અસલામતીનું કારણ બન્યા છે. આ બાબત પુનઃવિચારણા માંગે છે. આ પ્રશ્નો સાથે આદિજાતિ સલાહકાર પરિષદના ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ખેડા જીલ્લા પંચાયતની ચૂંટણીમાં મહેમદાવાદ તાલુકાની ૬ સીટો પર ચૂંટણી યોજાશે

ProudOfGujarat

ભરૂચ : કરે કોઈ ભરે કોઈ..! : બે દિવસ અગાઉ રસ્તા બાબતે વિડીયો વાઇરલ કરનાર જાગૃત નાગરિક પર ખાનગી ટ્રેડર્સનાં માલિકે કર્યો હુમલો…

ProudOfGujarat

લીંબડી શ્રી જી.એસ. કુમાર વિદ્યાલય ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!