ભરૂચ નગરપાલિકાનાં વિરોધ પક્ષનાં દંડક અને નગરપાલિકાનાં સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસરને પત્ર લખી નગરપાલિકાનાં કોરોના વોરિયર્સ એવા તમામ વર્ગનાં કર્મચારીઓનાં કોરોના વીમા પોલિસી લેવા બાબત જણાવ્યુ છે. પત્રમાં એમ પણ જણાવ્યુ છે કે છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારી સમગ્ર દેશમાં ફેલાય રહી છે. ભરૂચ નગરસેવા સદનમાં નોકરી કરતાં તમામ વર્ગનાં કર્મચારી છેલ્લા ઘણા સમયથી નિયમિત રીતે પોતાની ફરજ પર હાજર રહી કોરોના વોરિયર્સ તરીકે સેવા કરી રહ્યા છે. ત્યારે ભરૂચ નગરસેવા સદનમાં ફરજ બજાવતા તમામ વર્ગનાં રોજિંદા તેમજ કાયમી કર્મચારીઓનાં હિતમાં કોરોના વીમા કવચ જેમાં જો કોઈ કર્મચારી કોરોના ગ્રસ્ત થાય તો તેમનો સમગ્ર ખર્ચ વીમા ખર્ચમાં આવરી લેવાય અને જો કોઈ કર્મચારી મૃત્યુ પામે તો પોલિસીનો લાભ મળે તેવું વીમા કવચ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેનો ખર્ચ નગરપાલિકા ઉઠાવે તેવી પણ માંગણી કરાઇ છે. આ ઉપરાંત આ પહેલા કોઈ કોરોના વોરિયર્સ એવા કર્મચારીનું મોત થયું હોય તો તેમણે પણ સરકાર દ્વારા નકકી કરેલ સહાય તાત્કાલિક ચૂકવી દેવાય તેવી માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે હેમેન્દ્ર કોઠીવાલા, સલિમભાઈ અમદાવાદી, દિનેશભાઇ અડવાણી, ઇબ્રાહિમભાઈ કલકલ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ નગરપાલિકાનાં કોરોના વોરિયર્સ એવા તમામ વર્ગનાં કર્મચારીઓનાં કોરોના વીમા પોલિસી લેવા બાબતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ.
Advertisement