ભરૂચ નગરનાં જંબુસર બાયપાસ ઓવરબ્રિજ નીચે આજરોજ ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગનાં અવાજથી જ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું. ગણતરીની મિનિટોમાં જ ફાયરિંગની ઘટના અંગેની જાણ ભરૂચનાં આસપાસનાં વિસ્તારોમાં થતાં જાતજાતની વાતો અને અફવા ફેલાવવાની શરૂ થઈ ગઈ હતી. હાલ પણ ભરૂચ નગરનાં વાતાવરણમાં ભારે લાગણી હોવાનું જણાય રહ્યું છે. જેનું મુખ્ય કારણ એ છે કે ફાયરિંગ કરનાર અને ફાયરિંગનો ભોગ બનનાર બંને અસમાજિક તત્વો હોવાનું પોલીસે જણાવ્યુ હતું. તા.28-7-2020 નાં રોજ બપોરે પોણા બે થી બે વાગ્યા સુધીનાં સમય અરસામાં આ ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ભરૂચનાં DYSP વાધેલા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાને અનુરૂપ કાર્યવાહી કરી હતી. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ ઘટના પોણા બે વાગ્યે જંબુસર ઓવરબ્રિજ બાયપાસ રોડ પર બની હતી. જેમાં સઇદ ભૂરીયા પર ઇદ્રીસ બંબઈયાએ દેશી કટ્ટા વડે ફાયરિંગ કર્યું હતું. આ બંને વચ્ચે ગતરોજ ગાડીમાં પેટ્રોલ પુરાવા બાબતે ઝધડો થયો હોવાનું પોલીસે જણાવ્યુ હતું. ઝધડા બાદ ઝપાઝપી અને મનદુખ પણ થયું હતું. જેનું પુનરાવર્તન આજે બપોરે પોણા બે ના અરસામાં થયું હતું. બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. તેમાં ઉશ્કેરાયેલા ઇદ્રીસ બંબઈયાએ સઇદ ભૂરીયા પર ફાયરિંગ કરતાં સઇદ ભૂરીયાને કમરના ભાગે ઇજા થઈ હતી. જેને પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ માત્ર ગાડીમાં પેટ્રોલ પુરાવા અંગેના ઝધડાએ આટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું હોય તે બાબત શંકાસ્પદ છે બંને ઇસમોનો ભૂતકાળનો ઇતિહાસ તપાસવો રહ્યો. નજીકનાં સમયમાં ચોકાવનારી બાબતો સપાટી પર આવે તેવી સંભાવના છે. આરોપી ઇદ્રીસ બંબઈયા ફરાર થઈ ગયો હતો જેને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ નગરમાં જંબુસર બાયપાસ વિસ્તારમાં ભર બપોરે ફાયરિંગ થતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.
Advertisement