ભરૂચનાં લિંક રોડ પર આવેલ મયુરપાર્ક વિસ્તારનાં મહાદેવનાં મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરોએ દાનપેટીમાંથી નાણાંની ચોરી કરી હતી. જોકે કેટલા રૂપિયાની ચોરી થઈ તે અંગે જાણી શકાયું નથી. તેમજ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાય નથી તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. મયુરપાર્ક વિસ્તારમાં આ મહાદેવનું મંદિર ખૂબ પ્રસિદ્ધ હોવાના પગલે સિધેશ્વર મહાદેવ મંદિરનાં દર્શનાર્થે ખૂબ મોટી સંખ્યામાં ભકતો આવી રહ્યા છે ત્યારે આ મહાદેવ મંદિરમાં તાજેતરમાં પ્રસંગ હોવાના પગલે દાનપેટી મૂકવામાં આવેલ હતી. રાત્રિનાં સમયે થયેલ ચોરીનાં બનાવમાં મંદિરનાં તાળાં તૂટેલ હતા તેમજ તસ્કરોએ નવી મુકેલ દાનપેટી પણ તોડી હતી. આ અંગે લોકોમાં રોષની લાગણી જણાઈ રહી છે ત્યારે લોકડાઉન બાદ ભરૂચ જીલ્લામાં મંદી અને બેકારીનું વાતાવરણ હોવાના પગલે લોકોમાં આર્થિક ભીંસ જણાઈ રહી છે. જેના પગલે તસ્કરો પણ મંદિરોની દાનપેટી પર પણ પોતાના હાથ અજમાવી રહ્યા હોય તેમ જણાઈ રહ્યા છે. ભરૂચમાં અગાઉ પણ દાંડિયાબજાર અને અન્ય વિસ્તારોમાં મહાદેવનાં મંદિરમાં ચોરીનાં બનાવો બન્યા હતા. પરંતુ મંદિર સાથે સંકળાયેલ ચોરીના બનાવોનો ભેદ ખોલવામાં અને તસ્કરોને ઝડપી પાડવામાં પોલીસને નોંધપાત્ર સફળતા સાંપડી નથી તેમ આ મયુરપાર્ક સોસાયટીમાં મંદિરમાં ચોરી સાથે સંકળાયેલ ચોર કયારે ઝડપાશે તે જોવું રહ્યું.
ભરૂચનાં લિંક રોડ પર આવેલ મયુરપાર્ક સોસાયટીનાં સિધેશ્વર મહાદેવ મંદિરની દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી.
Advertisement