ભરૂચ જીલ્લામાં છેલ્લા 15 દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં જબરજસ્ત વધારો નોંધાયો છે અને હાલમાં પણ આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 20 દિવસમાં ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 400 નોંધાયો છે અને દિવસેને દિવસે ભરૂચ જીલ્લામાં કોરોના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેના અનુસંધાને લોક જનશક્તિ પાર્ટીનાં આગેવાનો તેમજ સહયોગી મિત્રો દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લાની કોવીડ સ્પેશિયલ હોસ્પિટલ જયાબેન મોદી હોસ્પિટલ કોરોના દર્દીઓથી ફુલ થઈ ગયેલ છે તથા જંબુસર ખાતે શરૂ કરવામાં આવેલ કોવીડ હોસ્પિટલ પણ દર્દીઓથી ફુલ થઈ ગયેલ છે. જેના કારણે દર્દીઓની હાલત અત્યંત કફોડી બની છે અને અસંખ્ય દર્દીઓ હજુ સારવાર લીધા વિનાનાં ઘરોમાં કેદ છે. ભરૂચની હોસ્પિટલોમાં જગ્યા ન હોવાથી લોકોને સારવાર અર્થે સુરત, વડોદરા સુધી જવું પડે છે. આ પરિસ્થિતિમાં ભરૂચમાં 200 બેડની કોવીડ હોસ્પિટલની માંગણી કરવામાં આવી છે તથા કોરોના તપાસ અર્થે ભરૂચ જીલ્લામાં અદ્યતન લેબોરેટરી શરૂ કરવાની પણ માંગણી કરાઇ છે. આ આવેદનપત્રની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય આરોગ્યમંત્રી તથા ગુજરાત આરોગ્યમંત્રીને રવાના કરવામાં આવી છે.
ભરૂચ ખાતે કોરોના દર્દીઓ માટે 200 બેડની કોવીડ હોસ્પિટલ શરૂ કરવા બાબતે લોક જનશક્તિ પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
Advertisement