રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.આમાં ભરૂચ જિલ્લામાં પણ કોરોના સંક્રમિત કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો દેખાય છે.ત્યારે જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને અનુલક્ષીને ભરૂચ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાએ દુકાનો- ધંધા બપોરના ૪ વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા માટેનું જાહેરનામું બહાર પાડયું છે.જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પડાયેલા જાહેરનામા મુજબ જિલ્લામાં તા.૯ જુલાઈ ૨૦૨૦ થી તા.૨૨ જુલાઇ ૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી તમામ પ્રકારના શોપીંગ કોમ્પલેક્ષ, શાક માર્કેટ, શાકભાજી, પાન મસાલાની દુકાનો, ચા નાસ્તાની લારીઓ- દુકાનો ( મેડિકલ અને દુધ પાર્લરની દુકાન સિવાય), તમામ વોક વે, બાગ – બગીચા સવારનાં ૭ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. વધુમાં જણાવાયા મુજબ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ પર શિક્ષાત્મક પગલા ભરાશે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ ભરૂચ જિલ્લામાં શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય સ્તરે પણ વધી રહ્યુ હોઇ, સંક્રમણને વધતુ અટકાવવા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.