તા.14-6-2020 નાં રોજ રાત્રિનાં સમયે ભરૂચમાં જૂના બસ ડેપોને અડીને આવેલ ઇન્દિરા નગર ઝુંપડપટ્ટીનાં રહીશોનાં ઘરો ઉપર એકાએક ડેપોની દીવાલ ધસી પડી હતી. આ દીવાલ રહીશોનાં ઘર ઉપર પડતાં લોકોને અનેક નાની-મોટી ઇજા થઈ હતી અને ઘરની તમામ ઘરવખરીનો પણ નાશ થયો હતો. આના કારણે બે ઝુંપડામાં રહેતા ગરીબ રહીશોને પણ નાની-મોટી ઇજા થયેલ આ બનાવ બાદ ઇન્દિરા નગરનાં ઝુંપડાવાસીઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પહેલા આ ઇન્દિરા નગર ઝુંપડપટ્ટીની બાજુમાં જૂનું ડેપો આવેલ હતું જેને તોડીને છેલ્લા બે વર્ષથી નવું સિટી સેન્ટર બનાવવાની કામગીરી ચાલી રહી છે. ઇન્દિરા નગરનાં ઝુંપડાવાસીઓએ પ્રથમથી જ આ દીવાલ નિર્માણનો વિરોધ કર્યો હતો. પરંતુ આ ઝુંપડાવાસીઓ ગરીબ, અભણ હોવાથી સિટી સેન્ટરનાં માલિકો અને કર્તાહર્તાઓ દ્વારા ધાકધમકીથી આખી વાત દબાવી દેવામાં આવી હતી. આ ઘટના બન્યા બાદ અને ઇન્દિરા નગરનાં ઝુંપડાવાસીઓનાં જણાવ્યુ અનુસાર સિટી સેન્ટર કન્સ્ટ્રકશનનાં માલિકોએ તેઓને મૌખિક વિનંતી કરી હતી કે અમે તમારો તમામ દવાનો ખર્ચ ઉઠાવીશું અને બીજી પણ સહાય આપીશું તથા આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ ના કરવાની આજીજી પણ કરી હતી. તેમની મીઠી વાણીમાં ફસાઈ આ રહીશોએ આ બાબતમાં કોઈ પોલીસ ફરિયાદ પણ કરી ન હતી. અંતે મામલો થાળે પાડયા બાદ આ સિટી સેન્ટરનાં કર્તાહર્તાઓ આ ગરીબ ઝુંપડાવાસીઓથી મોઢું ફેરવી દીધું છે. બીજી બાજુ ભરૂચ નગરપાલિકા પણ આ નિસહાય ગરીબ ઝુંપડાવાસીઓને અંદરખાને દબાણ કરે છે. જેના ભાગરૂપે નગરપાલિકાએ આ લોકોને અન્ય સ્થળે ખસી જવાની નોટિસ પાઠવી છે. આ રીતે સિટી સેન્ટર કન્સ્ટ્રકશનનાં કર્તાહર્તાઓ, નગરપાલિકા અને પોલીસતંત્ર આ બધા મિલીભગત કરીને આ ઇન્દિરા નગરનાં ઝુંપડાવાસીઓને ઘર વિહોણા કરવાનું કાળું કાવતરું કરી રહ્યા છે. જૂના બસ ડેપોને અડીને આવેલ ઇન્દિરા નગરનાં ઝુંપડાવાસીઓ છેલ્લાં 50 થી 60 વર્ષથી રહે છે. પરંતુ આજદિન સુધી ભરૂચ નગરપાલિકાએ દીવાલ ધસી પડવાનો ભય કયારેય શાં માટે બતાવ્યો નહીં ? સિટી સેન્ટર કન્સ્ટ્રકશનનાં કર્તાહર્તાઓ સાથે મળીને નગરપાલિકાએ ષડયંત્ર રૂપી નોટિસ આપી હોય તેમ લાગે છે. ઇન્દિરા નગરનાં વાસીઓએ જણાવ્યુ હતું કે આ દીવાલને અડીને જ રેતી, કપચી ભરેલા 20-30 ટનના ટ્રકો સતત અવાર-જવર કર્યા કરે છે જેના વાઇબ્રેશનથી આ દીવાલને નુકસાન થયેલ છે અને દીવાલ વર્ષો જૂની હોય તૂટી પાડવાનો ભય હતો જ અને હાલમાં ચોમાસાના કારણે સતત ટ્રકોનાં અવરજવરથી ખાડા પડી ગયા હતા અને આ ખાડાઓનું રોડથી પુરાણ કર્તા તેનું દબાણ આ દીવાલ પર પડતાં જેના કારણે દીવાલ ધરાશાયી થયેલ છે.
ભરૂચનાં જૂના ડેપોને અડીને આવેલ ઇન્દિરા નગરનાં ઘરો પર ડેપોની દીવાલ ધસી પડતાં ઘરોને નુકસાન થવાથી રહીશો દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement