દેશભરમાં કોરોના વાઇરસની મહામારીને લઈને લોકડાઉન ચાર તબકકામાં તમામ કામ ધંધાઓ બંધ થતાં લાખો કરોડો લોકો બેરોજગાર થયા અને હાલ હજારો નહીં પણ લાખો લોકો આર્થિકમંદીનાં ભ્રમણમાં સપડાયા છે. ત્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારે રોજરોજ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો કરીને ગરીબો, મધ્યમ વર્ગીય પરિવારોની કમર તોડી નાંખી છે. હાલ દેશભરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવો આસમાને છે ત્યાં આજે ભરૂચ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન રોડ ઉપર ડૉ.બાબા સાહેબની પ્રતિમા નજીક આ ભાવ વધારો સામે વિરોધ નોંધાવી ધરણાં દેખાવો કર્યો હતો.
આજે જીલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, જીલ્લા પ્રવકતા નાઝુ ફડવાળા, વિપક્ષનાં નેતા સમસાદ સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સુલેમાન પટેલ, અરવિંદ દોરવાલા, ધૃતાબેન રાવળ, જયોતિબેન તડવી, શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ વિકી શોખી, મગન પટેલ, સુરેશ પરમાર, ઇબ્રાહિમભાઈ કલકલ, રાધે પટેલ, સહિતનાં આગેવાનોએ આજે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે પ્લેકાર્ડ થકી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે આજે ચીન ભારત સરહદે ધર્ષણમાં 20 ભારતીય જવાન શહીદ થતાં તેઓને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે જીલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણાએ જણાવ્યુ હતું કે આજે ચીની સૈનિકોનાં હુમલામાં ભારતીય સૈનિકોનાં મોત થયા છે. તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા છે. તેમના પરિવાર પર આવી પડેલી આફતને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. સાથે દેશમાં સરકારે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો કરીને આવી મહામારી વખતે લોકોની કમર તોડી નાંખવાનું કૃત્ય કર્યું છે. ગરીબો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે વધુ મુશ્કેલી ઊભી કરી છે તેનો વિરોધ કરીએ છીએ.
ભરૂચ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ચીનની સૈનિકનાં હુમલામાં શહિદ થયેલા ભારતીય સૈનિકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કરી રેલ્વે સ્ટેશન રોડ ઉપર વિવિધ પ્લેકાર્ડ સાથે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો છે.
Advertisement