ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ સેઝ 2 માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં 3 જૂને બનેલી દુર્ધટનામાં કંપનીનાં વાઇસ પ્રેસિડન્ટથી લઈ 7 લોકો સામે વિવિધ કલમો હેઠળ દહેજ મરીન પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું આજે પત્રકાર પરિષદમાં જીલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. વાગરાનાં દહેજ સેઝ 2 માં લુવારા ગામ નજીક આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં તા.3-6-2020 નાં રોજ સવારે એકાએક ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન ધડાકાઓ થયા અને આગ ફાટી નીકળી આ ધડાકાની અસર 10 કિલોમીટરનાં એરિયામાં થતાં ધરા ધ્રુજી ઉઠી હતી. એટલુ જ નહીં પણ ભાવનગરનાં ધોધા બંદર સુધી યશસ્વી રસાયણમાં લાગેલી આગનાં ધડાકાઓ સંભળાયા હતા. આ દુર્ધટનામાં 10 કામદાર કર્મચારીઓનાં મોત થયા હતા. જયારે 75 થી વધુ લોકો ધાયલ થયા હતા. આ મામલે આ ઘટના અંગે રાજકીય નેતાઓથી લઈ નજીકનાં ગ્રામજનોએ તપાસની માંગણી કરતાં આવેદનપત્ર આપવામાં આવતા અને આ મામલે દુર્ધટના કેવી રીતે ઘટી અને તેના માટે કોણ જવાબદાર છે તે તપાસ શરૂ કરતાં આ મામલે દહેજ પોલીસ-FSL ની ટીમ હેલ્થ એન્ડ સેફટીનાં અધિકારીઓએ, ફેકટરી ઈન્સ્પેકટરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતાં આ દુર્ધટનામાં કંપનીનાં જવાબદાર અધિકારીઓની ગંભીર ભૂલ બહાર આવી હતી. ગંભીર બેદરકારી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેમાં યશસ્વી કંપનીમાં તા.3 જૂનનાં જયારે બે ટેન્કરો આવ્યા હતા જેમાં ડાયમિથાઇલ સ્લ્ફેટ તથા નાઈટ્રિક એસિડનાં ટેન્કરોમાંથી કેમિકલ અલગ-અલગ ખાલી કરવાનું હતું. જોકે કંપનીનાં જવાબદાર પ્રોડેકશન હેડ ભરત ભૂષણ સહિત અટલ બિહારી મંડલ, મહેશ ગલચર, ધરમકુમાર, મિનેષ છોટુ પટેલ, આલોક પાંડે, યુનુસ ખલીવાલાએ કેમિકલ ખાલી કરવામાં ગંભીર બેદરકારી દાખવી જેમાં FSl અને ફેકટરી ઈન્સ્પેકટર, હેલ્થ એન્ડ સેફટીનાં અધિકારીની તપાસ ટીમમાં ખુલાશો થયો કે ટેન્કરમાંથી ડાયમિથાઇલ સ્લ્ફેટની ટેન્કમાં નાઈટ્રિક એસિડ અને ડાયમિથાઇલ ટેન્કમાં નાઈટ્રિક એસિડ ખાલી કરવામાં આવતા કેમિકલ રીએકશન થયું અને ટેન્કો ફાટી કેમિકલોમાં આગ લાગતાં પ્લાન્ટનાં ફુરચેફુરચા ઊડી ગયા હતા. સાથે આજુબાજુની કંપનીઓમાં નુકસાન થયું. 10 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા, 75 લોકો ઘાયલ થયા અને આજુબાજુનાં કેટલાયે ગામોને ગંભીર અસરો થઈ હજારો લોકોનાં જીવ જોખમમાં મુકાયા હતા જેને લઈ આજે મરીન પોલીસ મથકમાં પી.આઇ ગાંગિયા દ્વારા FIR કરવામાં આવી જેમાં કંપનીમાં દુર્ધટનામાં ગંભીર બેદરકારી દાખવીને દુર્ધટના સર્જી દેનાર એવા ભરત ભૂષણ ઉર્ફે ભરત રમેશચંદ્ર અગ્રવાલ, અટલ બિહારી મંડલ, મહેશ જીવણ ગલચર, ધરમ મેધજી કુમાર, મીનેષ છોટુ પટેલ, આલોક પાંડા તેમજ યુનુસ પીર મહમદ ખલીવાળા સામે IPC ની કલમ 304, 337, 203, 285, 286, 287, 427,114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું આજે જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું. આ બનાવ અંગે DYSP વાધેલા તપાસ ચલાવી રહ્યા હોવાનું તેમણે જણાવી તમામ બેજવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.
ભરૂચ જીલ્લાનાં વાગરાની દહેજ સેઝ 2 માં યશસ્વી રસાયણની ઘટનામાં સાત લોકો સામે ફરિયાદ.
Advertisement