કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગો શરૂ કરવા આપેલી છૂટછાટ બાદ ભરૂચનાં ને.હા.નં.48 ઉપર અંકલેશ્વર, પાનોલી, ઝધડીયા તેમજ સુરત-વાપી જી.આઇ.ડી.સી.માંથી હેઝાડર્સ વેસ્ટ ભરેલી ગાડીઓનાં નબીપુર, દાયાદરા, જંબુસર રોડ ઉપર બેફામ વહનનાં પગલે ગ્રામ્ય પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એક તરફ લોક ડાઉન અને બીજી તરફ તીવ્ર દુર્ગધનાં પગલે લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. વાપી-વલસાડ સુરત તેમજ અંકલેશ્વર-પાનોલી ઝઘડિયા જી.આઇ.ડી.સી. માં લેભાગુ ઉદ્યોગકારો દ્વારા અત્યંત ઝેરી તેમજ તીવ્ર દુર્ગધ મારતાં સોલીડ તેમજ લિક્વિડ હેઝાડર્સ વેસ્ટનાં ગેરકાયદેસર વહન તેમજ નિકાલ અર્થે નેશનલ હાઇવે નં.-48 ભરૂચથી નબીપુર વાયા-દયાદરા જંબુસર રોડથી બેફામ વાહનો પસાર કરી હેઝાડર્સ વેસ્ટનો રાત-દિવસ નિકાલ કરાતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. નબીપુર, હિંગલ્લા, કોઠી, ત્રાલસા તથા દયાદરા ગામનાં રહીશો આવી હેઝાડર્સ વેસ્ટની ગાડીઓ પસાર થયા બાદ 10-15 મિનિટ શ્વાસ લેવાનું મુશ્કેલ બનવા પામ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હેઝાડર્સ વેસ્ટની આ ગાડીઓનો નિકાલ સમગ્ર રાત્રિ દરમિયાન પણ ચાલુ રાખવામાં આવતાં રોડને સંલગ્ન રહીશોનું જીવન મુશ્કેલ બનવા પામ્યું છે. એક તરફ કાળઝાળ ગરમી લોક ડાઉન અને તેમાં આ પ્રકારે હેઝાડર્સ વેસ્ટની દુર્ગધ વેઠવાના પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે જીપીસીબી તેમજ જીલ્લા કલેકટરને સ્થાનિક રહીશો દ્વારા જાણ કરી તાત્કાલિક પગલાં ભરવાં રજૂઆત કરાઇ છે. જોકે ગ્રામજનોનાં જણાવ્યા અન્વયે ત્વરિત પગલાં નહીં ભરાય તો લોકો સ્વયંભૂ રસ્તા ઉપર ચક્કાજામ કરશે તેમ લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.
લોક ડાઉનમાં છૂટછાટનાં પગલે નબીપુર દયાદરા માર્ગ ઉપર હેઝાડર્સ વેસ્ટ ભરેલી ગાડીઓનાં વહનથી ગ્રામ્ય પ્રજા ત્રાહિમામ.
Advertisement