ભરૂચ જીલ્લામાં બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો 40 ને પાર કરતાં ગરમ લૂવાળા પવનને પગલે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. જીલ્લાનાં લોકો અગન ભઠ્ઠીમાં ભુંજાઈ રહ્યા હોવાનો અનુભવ કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆત થઈ ત્યારથી લોકોને લાગતું હતું કે આ ચાર મહિના આકરા સાબિત થશે અને આ દરમ્યાન “કોરોના વાઇરસ” ની મહામારીએ એન્ટ્રી મારી દીધી અને 40 દિવસનું લોક ડાઉન જાહેર થયું. જયારે એક તરફ લોકોને ” કોરોના વાઇરસ ” નો ડર અને બીજી બાજુ બેરોજગારી અને ભૂખમરીનો ડર હતો ત્યાં જ ઉપરથી કુદરતે કહેરમાં વધારો કર્યો. સૂર્યને સીધા જ કિરણો થકી માનવ જન જ નહીં પણ પશુ-પંખીને પણ તડફડિયા મારતાં કરી દીધા. ભરૂચ જીલ્લામાં સવારે 10 વાગ્યે તાપમાનનો પારો 32 ડિગ્રીને પાર હોય છે. ત્રણ-ત્રણ દિવસથી સૂર્ય ભરૂચ જીલ્લાનાં આકાશમાંથી આકરા કિરણો વર્ષાવી રહ્યો છે જાણે કે અગ્નિ બાણની સીધી જ વર્ષા થઈ રહી હોય તેવા વાતાવરણ વચ્ચે લોકો ગરમ પવનને પગલે પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. જીલ્લામાં ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. જીલ્લામાં ગરમી લૂવાળા પવનને પગલે લોકોને બપોરે 1 થી 4 વાગ્યા દરમ્યાન ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. બુધવાર અને ગુરૂવારનાં દિવસે ભરૂચ જીલ્લાનું તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. લોકો ઘરમાં પણ ગરમ પવનનો અનુભવ કરતાં એર કુલર, એ.સી. અને પંખા પર આશરો લઈ દિવસ વિતાવી રહ્યા છે. જીલ્લામાં લોક ડાઉન હોવાથી રસ્તા ઉપર લોકો ફરવા જોવા મળતા નથી. પરંતુ રસ્તા ઉપરથી ગરમ વરાળ નીકળી રહી છે. લોકો હવે આ અસહનીય ગરમી, ઉકળાટ, લૂવાળા પવનથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. લોકો ભરૂચ જીલ્લાની ગરમીને લઈ હવે કુદરત મહેર કરે તેવું કહી રહ્યા છે.
ભરૂચ જીલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જીલ્લાનાં લોકો આગની ભઠ્ઠીમાં ભુંજાઈ રહ્યા છે.
Advertisement