ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠાના નવી તરસાલી ગામના બે મિત્રો નર્મદામાં નહાવા પડતા નદીના પાણીમાં ડુબવા લાગ્યા હતા.આ બે પૈકી એકને બચાવવામાં સફળતા મળી હતી.જ્યારે બીજાનો કોઇ પત્તો ન મળતા તેનું ડુબી જવાના કારણે મોત થયુ હોવાની આશંકા જણાય છે.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગુલામહુશૈન ઇસ્માઇલ મલેક રહે.નવી તરસાલી તા.ઝઘડીયાએ રાજપારડી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તેમનો નાનો ભાઇ મખદુમ અને તેનો મિત્ર મોસીન એહમદ મલેક બંને રહે.નવી તરસાલી બાઇક લઇને સોમવારના રોજ બપોરેના બે વાગ્યાના અરસામાં જુની તરસાલી ગામ નજીક નર્મદા નદીના તિત્લી ઓવારે નહાવા ગયા હતા. દરમિયાન નહાતી વખતે એકાએક બંને મિત્રો નર્મદાના પાણીમાં ડુબવા લાગ્યા હતા.તેની જાણ થતાં ગુલામભાઇ નામના એક સ્થાનિક નાવડીવાળાએ ભારે જહેમતથી બંનેને બચાવવાના પ્રયત્ન કરતા આ બે પૈકી એક મોસીનને બચાવી લેવામા સફળતા મળી હતી. જ્યારે પાણીમાં ડુબેલા મખદુમભાઇનો કોઇ જ પત્તો નહિ લાગતા બીજા દિવસે ઝઘડીયા ફાયર ફાઇટર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી.ફાયર ફાઇટર અને સ્થાનિક તરવૈયાઓની ટીમોએ નદીના પાણીમાં લાપત્તા બનેલા યુવાનને શોધવા ભારે જહેમતથી શોધ આરંભી હતી.ઉલ્લેખનીય છે કે નદીના પાણીમાં લાપતા થયેલા મખદુમના પગરખા ટી શર્ટ અને બાઇક ઓવારા પાસેથી મળી આવ્યા હતા.દરમિયાન આજે બપોરના ચાર વાગયા સુધીમાં પાણીમાં લાપત્તા થયેલા મખદુમ નામના યુવાનનો કોઇ પત્તો મળ્યો નથી. આ યુવાન પાણીમાં ડુબી ગયો હોય અથવા નદીના વહેણમાં તણાઇ ગયો હોવાથી તેનું મોત થયુ હોય એવી આશંકા જણાય છે.રાજપારડી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.