ભરૂચ જિલ્લામાં કોરોનાનો પગ પેસારો થતાં જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ જણાતા તંત્ર દ્વારા ઘટતા પગલા લેવાઇ રહ્યા છે.ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગામને સીલ કરી દેવાયુ છે.આજે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ વડોદરા રેન્જ આઇજી અભય ચુડાસમાએ વણાકપોર ગામની મુલાકાત લીધી હતી.રાજપારડી પીએસઆઇ જાદવે અધિકારીઓને જરૂરી માહિતી આપી હતી.ગામની મુલાકાત બાદ અધિકારીઓએ ગામમાંથી કોઇ વ્યક્તિ બહાર જાય નહિ તેમજ કોઇ બહારનું ગામમાં આવે નહિં, તે બાબતે તકેદારી રાખવા સુચન કર્યુ હતુ.વધુમાં અધિકારીઓએ આ બાબતે ડ્રોન કેમેરાથી નજર રાખીને વ્યવસ્થા જાળવવા સુચના આપી હતી.વણાકપોર ગામે કોરોના પોઝિટિવ દર્દી જણાતા ગામમાં આવવા જવાના રસ્તા સીલ કરાયા છે. નિયમનો ભંગ કરનારા વિરુદ્ધ ગુના દાખલ કરાશે એમ વધુમાં જણાવાયુ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.