ભરૂચનો માળખાગત વિકાસ થાય તે માટે વર્ષ-૨૦૧૨ માં ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી(બૌડા)ની રચના કરવામાં આવી હતી. બૌડાની રચના થયાં બાદ ભરૂચનો માળખાગત વિકાસ થવાના સ્થાને ભ્રષ્ટાચાર યુક્ત વિકાસ થઈ રહ્યો છે. બૌડાના નિયમો ગરીબો માટે કડક અને અમીરો માટે સગવડિયા સાબિત થઇ રહ્યા છે. જેની સીધી અસર બૌડામાં સમાવિષ્ટ વિસ્તારમાં ઉભી થઇ છે. જેની પાછળ બૌડાના અધિકારીઓની વ્હાલા દવલાની ભ્રષ્ટાચારી ભરી નીતિ જવાબદાર છે. ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવિષ્ટ ભોલાવ ગામના સર્વે નંબર – ૭ (સાત) પૈકીના પ્લોટ નંબર – ૬ (છ) ઉપર ઉભું કરાયેલ “7x બિઝનેસ હબ” નું બાંધકામ નિયમ વિરુદ્ધનું હોવાનું પુરવાર થયેલ છે. આમ છતાં બૌડા દ્વારા આ બાંધકામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી. તાજેતરમાં જ બૌડામાંથી સર્વેયર જીગર ગોહિલ, પ્લાનિંગ આસિસ્ટન્ટ કોમલબેન અને ઇન્ચાર્જ જુનિયર ટાઉનપ્લાનર નીતિનભાઈએ 7x બિઝનેશ હબની સ્થળ ચકાસણી કરી હતી. સ્થળ ઉપર તપાસ બાદ પણ બૌડાની ટીમે પંચકયાસ કર્યો નથી, કે કોઈ અહેવાલ પણ તૈયાર કરવામાં આવ્યો નથી. જેમાં સ્થળ ચકાસણી કરનાર ટીમની લાપરવાહી સ્પષ્ટ રીતે છતી થાય છે. 7x બિઝનેસ હબના નકશામાં બેઝમેન્ટ બતાવવામાં આવેલ નથી, પરંતુ સ્થળ ઉપર બેઝમેન્ટ બનાવવામાં આવેલ છે.
જોકે જે નકશા બતાવવામાં આવેલ છે, તેમાં ભોલાવ પંચાયત સરપંચના સહી સિક્કા છે, પણ અન્ય કોઈ સક્ષમ અધિકારીના સહી સિક્કા નથી. એટલું જ નહીં બિલ્ડર નિશિત અગ્રવાલે N.A.નો હુકમ પણ રજૂ કરેલ નથી. આમ 7x બિઝનેસ હબ બિનઅધિકૃત રીતે ઊભો કરાયેલ છે. જે સ્પષ્ટ થતું હોવા છતાં, બૌડા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેમાં બૌડામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ ખુલ્લેઆમ છતું થાય થાય છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં તાજેતરમાં જ હાઉસિંગ બોર્ડની જગ્યા પર મુક્તિ નગર ખાતે વાણિજ્ય તથા રહેણાંક (કોમર્શિયલ કોમ્પલેક્ષ) બાંધકામ ઊભુ કરાયેલ છે. જેમાં હાઉસિંગ બોર્ડ માત્ર રહેણાંકના બાંધકામની જ એન.ઓ.સી.આપી હતી, છતાં જમીન માલિક પ્રફુલ્લચંદ્ર શાંતિલાલ પંડયાએ ભોંયતળિયું, પહેલાં અને બીજા મારે દુકાનો તથા ત્રીજા અને ચોથા મારે ફ્લેટ ઉભા કરી કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉભું કર્યું છે. આ અંગે પણ બૌડાને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં બૌડાના અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામ સામે આંખ આડા કાન કરે છે. આ બિનઅધિકૃત બાંધકામ હાઉસિંગ બોર્ડમાં આવેલ હોવાથી બૌડાના અધિકારીઓ હાથ ખંખેરી “હાઉસિંગ બોર્ડ પગલાં લેશે, અમારે કશું કરવાનું હોતું નથી.” તેવો ઉડાઉ જવાબ આપેલ છે. જ્યારે આ જ અધિકારીઓ દ્વારા થોડા સમય પહેલાં હાઉસિંગ બોર્ડના મકાનોમાં થયેલ વધારાના બાંધકામને પોલીસ પ્રોટેક્શનમાં તોડી પાડવામાં આવ્યા હતા. આમ માત્ર ગેરકાયદેસર બાંધકામને બચાવવા માટે બૌડાના ભ્રષ્ટ અધિકારીઓ પોતાના સગવડિયા નિયમો આગળ ધરે છે. અને બિલ્ડરોને ફાયદાકારક એવી કામગીરી કરી રહ્યા છે. 7x કોરિડોર શોપિંગ સેન્ટર કે જે જુના ભરૂચના પ્રવેશદ્વાર એટલે કે સોનેરી મહેલ ઢોળાવ પર બનેલ છે. જેમાં પણ નકશામાં દર્શાવેલ પ્રમાણે શોપિંગનું બાંધકામ થયેલ નથી. જોકે તે બાબતે લોકચર્ચા મુજબ બિલ્ડરને ફાયદાકારક ભરૂચ નગરપાલિકા દ્વારા અંદાજિત રૂ. ૯૦,૦૦,૦૦૦/- લાખની ગેબીયન વોલ ઉભી કરી આપવામાં આવી છે. જે ગેબીયન વોલ ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાયેલ છે. જેમાં નગરપાલિકા અને બૌડા કચેરી બંને ભેગા થઈ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યા હોવાનું જ્ઞાત થાય છે. જોકે 7x કોરિડોર સામે આવેલ સરકારી જમીન બાબતે આજદિન સુધી કોઈ જ નકકર કાર્યવાહી થઈ નથી. શોપિંગ અને આસપાસના રહીશો દ્વારા આ સરકારી જમીન પર ગાડીઓ પાર્ક કરી જગ્યાનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બાંધકામ બાબતે પૂર્વ કલેક્ટરશ્રી દ્વારા આગળની સરકારી જમીનમાંથી પ્રવેશ કરવાનો અભિપ્રાય પણ રદ કરવામાં આવેલ છે. તેમજ આ બિલ્ડીંગનો વપરાશ કરવા એટલે કે BUC લેટર પણ મળેલ નથી, અને ગેરકાયદેસર દુકાનો ખુલી ગયેલ છે, કોની રહેમ નજર હેઠળ? તેવો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. છતાં પણ આંખ આડા કાન કરવા ટેવાયેલ ભ્રષ્ટ તંત્ર દ્વારા પૂર્વ જિલ્લા કલેક્ટરશ્રીના હુકમની પણ ધરાર અવગણના કરી પોતાની મન મરજી મુજબ કામગીરી કરી રહ્યા છે. જેથી ચોખ્ખું કહી શકાય કે ત્યાં ભ્રષ્ટાચારને પોષણ મળી રહ્યું છે. જોકે બિલ્ડીંગ સામે આવેલ સરકારી જમીન પર કેટલાય સમયથી જાગૃત નાગરિકો દ્વારા “શહીદ સ્મારક” બનાવવાની માંગ પણ ઉઠી છે. ત્યારે આ બાબતે નગરપાલિકા અને બૌડા કચેરી તેમજ સામાજિક આગેવાનો પણ મૌન સેવી બેઠા છે.બૌડા રાજ્ય સરકારના વહીવટનો એક ભાગ છે. તેના માટેના સ્થાપિત નિયમોનો ભંગ થાય તો રાજ્ય માટે તેમજ રાષ્ટ્ર માટે નુકસાનકારક બને છે. રાજ્યના નિયમોનો ભંગ એ રાજ્યદ્રોહ છે. રાજ્યના નિયમોનો ભંગ એ રાજ્યદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ છે. રાજ્યના હિતમાં રાષ્ટ્રના હિતમાં આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે રાષ્ટ્રદ્રોહનો ગુન્હો દાખલ કરવા ઉપરાંત નિયમોની ઉપરવટ જઇ થયેલ બાંધકામોને પણ લોકોનો કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે તાત્કાલિક રીતે તોડી પાડી આવું બાંધકામ કરનારાઓ સામે ફોજદારી ગુન્હો દાખલ કરવાની અમારી માંગ છે.
ભરૂચ : બૌડા કચેરી અને નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોમાં નક્કર કાર્યવાહી નહીં કરવા બાબતે ધરણાં કરવામાં આવ્યા.
Advertisement