ભરૂચ આયકર વિભાગ દ્વારા જિલ્લાના 1600 જેટલા ખેડૂતોને આયકર સંબંધિત નોટિસો પાઠવવાના મામલે ખેડૂતોએ આજે જિલ્લા પંચાયતથી આયકર વિભાગ સુધી રેલી યોજી હતી. ત્યારબાદ આયકર વિભાગની કચેરીએ ભારે હલ્લો બોલાવ્યો હતો. રાજ્યમાં એકમાત્ર ભરૂચના આયકર વિભાગે જિલ્લાના 1600 જેટલા ખેડૂતોને આયકરની આકારણીમાં લાવી નોટિસો પાઠવતા ખેડૂત સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો.
છેલ્લા કેટલાય દિવસોથી ભરૂચ જિલ્લાના ખેડૂત સમાજ દ્વારા આયકર વિભાગ સામે લડતનું આહવાન આપવામાં આવ્યું હતું. આજરોજ આયકર વિભાગ દ્વારા ખેડૂતોને નોટિસ આપવાના મામલે ખેડૂતોએ આયકર વિભાગમાં કમિશનરને રજુઆત કરવા પહોંચ્યા હતા. ખેડૂતો આયકર વિભાગના દાયરામાં ન આવતા હોવા છતાં નોટિસો મળતા ખેડૂતો લાલ ધૂમ થયા હતા. આયકર વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના 1600 જેટલા ખેડૂતોને આયકર અંગેની નોટિસો પાઠવી હતી. આજરોજ ખેડૂત અગ્રણીઓએ આયકર વિભાગના કમિશનરને રજૂઆત કરી નોટિસો પરત લેવાની રજૂઆત કરી હતી અન્યથા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.આજરોજ બિનરાજકીય એવા ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ ખેડૂતોએ આયકર વિભાગ ની કચેરીએ હલ્લો બોલાવ્યો હતો. જોકે સ્થાનિક આયકર વિભાગના અધિકારીઓએ સાનુકૂળ પ્રત્યુત્તર ના પાઠવતા અંતે વડોદરા રિજિયોનલ કચેરીથી ઉચ્ચ અધિકારીઓને ખેડૂતોએ તેડું મોકલ્યું હતું અને જ્યાં સુધી આ મામલે સાનુકૂળ પ્રત્યુત્તર નહીં મળે ત્યાં સુધી કચેરી છોડવાનો ઇન્કાર કરતા મળતી માહિતી પ્રમાણે વડોદરા આયકર વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ ભરૂચ આવવા રવાના થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આજરોજ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશભાઈ પટેલ સહીત જિલ્લાના ખેડૂત અગ્રણીઓ સંદીપસિંહ માંગરોલા, પરિમલસિંહ રણા, ધર્મેન્દ્રસિંહ મહિડા વિગેરેએ ખેડૂતોના પ્રશ્ને જોરદાર રજૂઆત કરી હતી. ખેડૂત સમાજ, ગુજરાતના પ્રમુખ જયેશભાઈ પટેલે રોષભેર જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં એકમાત્ર ભરૂચ જિલ્લાના જ આયકર વિભાગે ખેડૂતોને આયકર સંબંધિત નોટિસો મોકલી છે. ખેડૂતોને બંધારણની ધારા 10(E) મુજબ આયકરમાંથી મુક્તિ મળી છે પરંતુ સ્થાનિક આયકર વિભાગના કેટલાક અધિકારીઓ ઈરાદા પૂર્વક ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દશ લાખથી વધુના રોકડ નાણાંકીય વ્યવહારોને સ્ક્રૂટિનીમાં લઈ નોટિસો પાઠવી છે. વધુમાં તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે અમુક ખેડૂતો પાસે મામલો રફેદફે કરવા લાંચ પણ માંગવામાં આવી રહી છે. ખેડૂતોને સહકારી સંસ્થાઓ પાસેથી ચેક દ્વારા નાણાં મળતા નથી જેથી રોકડ ટ્રાન્જેક્શન કરવું પડે છે. વટારીયાની ગણેશ સુગર ફેક્ટરીના ચેરમેન સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે આયકર વિભાગના અધિકારીઓ ખોટા અર્થઘટન કરી ખેડૂતોને આયકરના દાયરામાં લાવવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ તેઓ નિરર્થક પ્રયાસ કરી રહ્યા છે. જિલ્લાનો ખેડૂત સમાજ જાગૃત છે.
ભરૂચ આયકર વિભાગ દ્વારા ખેડૂતોને નોટિસો પાઠવવા મામલે ખેડૂતોએ જિલ્લા પંચાયતથી આયકર વિભાગ સુધી રેલી યોજી હતી.
Advertisement