ભરૂચ તાલુકાના કંબોલી ગામમાં ગુરૂવારના રોજ અંજુમન ઇસ્લામ સંચાલિત કંબોલી માધ્યમિક શાળા કંબોલી દ્વારા તેજસ્વી તારલાઓનો શિલ્ડ વિતરણ અને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ધોરણ ૯ તેમજ ૧૦ (એસ.એસ.સી બોર્ડ) અને ૧૧ તેમજ ૧૨ બોર્ડના દરેક વર્ગમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને “હાજી દાઉદ વલી નાથા” શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
મુખ્ય અતિથિ પ્રમુખ સ્થાનેથી હાજી ઉસ્માનગની અહમદ સાલ્યાએ શાળાને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં અપાર શક્તિઓ રહેલી છે.તેઓએ વધુમાં બાળકોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી દેશ અને ગામનું નામ રોશન કરવા હકારાત્મક વિચારો ગ્રહણ કરવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમ્યાન દેશ-વિદેશથી પધારેલા ગામનાં દાન વીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોની ઉત્તમ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓ યુનુસભાઈ અમદાવાદી,મકબુલ ભાઈ અભલી,હનીફ જમાદાર સહિત મહાનુભાવોએ બાળકોને બોર્ડમાં સારા ગુણો પ્રાપ્તિની શુભેચ્છા પાઠવી હતી.
ઇમરાન ઐયુબ મોદી -પાલેજ