ભરૂચ નગરપાલિકાના બહુ ગાજેલા મુલદ ડમ્પીંગ સાઈટ કચરા કૌભાંડમાં મુખ્ય અધિકારીએ તપાસ સમિતિ બનાવી સાઈટ સુપરવાઈઝરને બરતરફ કરતા જ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે પાલિકામાં ભ્રષ્ટાચારીઓને જ ભ્રષ્ટાચારની તપાસ સોંપાઈ હોવાનો દાવો કરી સમગ્ર તપાસ એસ.ડી.એમ.ને સોંપવાની માંગ સાથે જીલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી સેજલ દેસાઈની આગેવાનીમાં એ.એચ.પી.એ કલેકટરને આવેદન આપ્યું હતું. આવેદનમાં ભરૂચ નગર પાલિકા કૌભાંડથી ખદબદતું હોવાનો દાવો કરાયો છે. રતન તળાવમાં રૂપિયા સો કરોડના ભ્રષ્ટાચાર બાદ એક પછી એક મોટા કૌભાંડો બહાર આવ્યા છે. તેવા આક્ષેપ સાથે આવેદનમાં જે.બી.મોદી પાર્કને જોડતા માર્ગમાં મોટા પાયે ખાયકી, ઓમકારનાથ ઠાકુર કલાભવનમાં મરામતના નામે ખાયકી, કાસદ કચરા કૌભાંડ, ખીચડી કૌભાંડ, રોડ મરામત ગાબડા પુરણ કૌભાંડ, રખડતા ઢોરને પાંજરે પૂરી રૂપિયા પડાવી ગજવે ઘાલવાનું કૌભાંડ, અને છેલ્લે ભ્રષ્ટાચારની હદ વટાવી મુલદ ડમ્પીંગ સાઈટ પર બારોબાર ગામડાઓ અને ઉદ્યોગોનો કચરો ઠાલવવાનું કૌભાંડ આમ છેલ્લા કેટલાક વર્ષોથી સતત એક પછી એક ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે. જેમાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ સાથેનું આવેદનપત્ર ભરૂચ કલેકટરને આપી કૌભાંડની તપાસ એસ.ડી.એમ.ને સોંપવાની પણ માંગ કરી.
ભરૂચ નગર પાલિકા મુલદ ડમ્પીંગ સાઈટ કૌભાંડ ભ્રષ્ટાચારીઓને જ ભ્રષ્ટાચારની તપાસ એસ.ડી.એમ. ને તપાસ સોંપવાની માંગ સાથે આવેદન.
Advertisement