ભરૂચ એ.સી.બી. પોલીસ તેમજ રાજપારડી પોલીસની સંયુકત ટુકડીએ આંતરરાજય વાહન ચોર ટોળકીના બે શખ્સોને આબાદ ઝડપી પાડી 10 જેટલાં વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આ માહિતી આજરોજ ભરૂચ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી આપી હતી. તાજેતરમાં ઝધડીયા પંથકમાંથી એક સાથે છ જેટલાં વાહનોની ચોરી થઈ હતી. જેને ગંભીરતાથી લેતા જીલ્લા પોલીસ વડા ચુડાસમાએ ભરૂચ એલ.સી.બી. પોલીસ ટુકડીને વિશેષ સૂચનાઓ આપી હતી. જે બાદ ભરૂચ એલ.સી.બી.ની ટુકડીએ રાજપારડી પોલીસની ટુકડીને સાથે રાખી ધનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન રાજપારડી ચાર રસ્તા પાસે બે ઇસમો ચોરીની મોટર સાયકલો સાથે પસાર થવાના હોવાની નકકર બાતમી મળતા સધન વોચ ગોઠવવામાં આવી હતી અને આ સંયુકત ઓપરેશનમાં બંને શખ્સોને ઝડપી પાડયા હતા. આ શખ્સોની પૂછપરછ દરમ્યાન પોલીસને ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ હતી અને આ ટોળકી રાજયનાં વિવિધ શહેરોમાંથી અનેક વાહનોની ચોરી કરી હોવાનો ધટસ્ફોટ થયો હતો. આ શખ્સોએ રાજપારડી, ઝધડીયા, ભરૂચ, કોસંબા, સુરત, બારડોલી, નવસારી જેવા વિસ્તારોમાંથી 30 જેટલી મોટર સાયકલો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. રાજપારડી પોલીસે વિવિધ પોલીસ ટુકડીનું ગઠન કરી મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાનાં અંતરીયાળ વિસ્તારોમાં સધન શોધખોળ કરી 29 જેટલી બાઈકોને જપ્ત કરી હતી. પોલીસે જેલુ વેલકુ જમરા તેમજ નેહલ શેકરિયા નામના મધ્યપ્રદેશના રહીશ એવા વાહન ચોરોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ એલ.સી.બી. પોલીસ તેમજ રાજપારડી પોલીસની સંયુકત ટુકડીએ આંતરરાજય વાહનો ચોરી કરતી ગેંગના બે શખ્સોને ઝડપી પાડી તેઓ પાસેથી કુલ 29 જેટલી મોટર સાયકલો જપ્ત કરી હતી.
Advertisement