ભરૂચ જીલ્લાનાં શુકલતીર્થ મંગલેશ્વર વિસ્તારમાં ખનીજ માફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓની મિલીભગતમાં રોયલ્ટી ચોરીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની વ્યાપક બુમરાણ છે. નિયમાનુસાર જો કોમર્શિયલ પૂરાણ કરવા માટે માટીની જરૂરિયાત હોય તો ખાણ ખનીજ વિભાગમાંથી રોયલ્ટી પાસ મેળવવાનો હોય છે. કાર્ટિંગ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ લીઝ ધારકોની રોયલ્ટી બુક મેળવી બેફામ રીતે માટીનું ખનન કરી રહ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા જેટલી પરવાનગી આપવામાં આવી હોય તેનાથી બેફામ રીતે વધારે ખનન થઈ રહ્યું છે. આજ વિસ્તારનાં કેટલાક વર્ગ ધરાવતા અને રાજકીય ઓથા ધરાવતા શખ્સો પ્રતિરોજ લાખો રૂ.ની રોયલ્ટી ચુકવ્યા વિનાની માટીને કોમર્શિયલ ધોરણે વેચી રહ્યા છે. એવું માનવાને લગીરેય જરૂરિયાત નથી કે ખાણ ખનીજ વિભાગને આ અંગેની જાણ કે સુદ્ધાં નથી. પરંતુ વાડ જ ચીભડા ગળવાની માનસીકતા છતી કરે ત્યારે ન્યાયની અપેક્ષા નહિવત રાખવી પડે તેવી લોકમુખે ચર્ચા છે. હાલમાં શિયાળાની શરૂઆત થતાં માટી ખનનની માત્રામાં બેફામ વધારો થઈ ગયો છે. પ્રતિ ફેરા દીઠ કાર્ટિંગ એજન્ટો અઢીથી ત્રણ હજારની કટકી ઓહયા કરી રહ્યા છે ને રોજેરોજ હજારો રૂ.ની રોયલ્ટીની આવકમાં સરકારી તિજોરીમાં કાપ મુકાતો જાય છે. પરંતુ સાચા અર્થમાં જો સરકારને વફાદાર રહી ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે તો લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી પકડાય તેમ છે. આ અંગે ભરૂચ જીલ્લાનાં જીલ્લા કલેકટરશ્રીએ પણ ધટતું કરી ખાણ ખનીજ વિભાગને ચેકિંગ કરવા અને ફલાઇંગ સ્કોવર્ડ બનાવવા સૂચના અપાવી જોઈએ. જેથી સરકારને તિજોરીમાં લાખો રૂપિયાની આવક થાય. ખરેખર તો શુકલતીર્થ મંગલેશ્વર વિસ્તારમાં માટી તેમજ રેતીની લીઝ ધરાવતા તેમજ હોલ્ડરોની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરાય તો રોયલ્ટી ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થાય તેવો છે તેમ એક જાગૃત નાગરિક દાવો કર્યો હતો. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ, સુપરવાઈઝરો, લીઝ ધારક પાસે કેટલી પરવાનગી છે અને નિયત સમયમર્યાદામાં કેટલું ખોદાણ થયું તે સમગ્ર પ્રક્રિયાને ગંભીરતાથી તપાસ થતી નથી અને તેનો બેફામ રીતે ગેરલાભ ઉઠાવાય રહ્યો છે. જે રીતે પૂરજોશમાં માટી ખનન ચાલી રહ્યું છે તેને પ્રમાણસર રોયલ્ટી પણ સરકારી તિજોરીમાં જમા થતી નથી. આ સરવૈયું પણ જવાબદાર તંત્ર માંડે તો પણ રોયલ્ટી કૌભાંડના મસમોટા કૌભાંડની પ્રતીતિ થઈ આવે તેમ છે.
ભરૂચ જીલ્લાનાં શુકલતીર્થ મંગલેશ્વર વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં માટીના ખનનની આડમાં લાખો રૂ.ની રોયલ્ટી ચોરીનું સુવ્યવસ્થિત ઢબે કૌભાંડ ચાલી રહ્યું હોવાની વ્યાપક ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.
Advertisement