દિનેશભાઈ અડવાણી
મતદાન જાગૃતિ અર્થે ભરૂચ ખાતે માનવ સાંકળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. આગામી ૨૩મી એપ્રિલના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે માટે મતદાન જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા કલેકટર કચેરી પાસેથી માનવસાંકળ રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેને આકાશમાં રંગીન બલૂન ઉડાવી પ્રારંભ કરાયો હતો. ભરૂચની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કલેકટર કચેરી પાસેથી માનવસાંકળ રચી શક્તિનાથ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં હાથમાં બેનરો સાથે મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.જિલ્લા શિક્ષણ અધિકારીએ દરેક વિદ્યાર્થી 20 મતદારોને મતદાન કરવા પ્રેરિત કરી મોકલે તેવી અપીલ કરી હતી.આ પ્રસંગે લોભ,લાલચ વિના મતદાન કરવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ ભરૂચનું મતદાન સૌથી વધુ થાય તેવી આશા વ્યક્ત કરી તે માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા. લોકશાહીના મહાપર્વ ચૂંટણી માટે મતદાર જાગૃતિના આ પ્રયાસમાં યોગદાન આપનાર વિદ્યાર્થીઓ પણ ખુશી સાથે રાષ્ટ્ર માટે કાર્ય કર્યાનો સંતોષ વ્યક્ત કરી રહ્યા હતા.આ પ્રસંગે નાયબ કલેકટર,ચૂંટણી અધિકારી,જિલ્લા અધિકારી સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.