દિનેશભાઈ અડવાણી
સમગ્ર ભરૂચ જિલ્લામાં મંદીનું વાતાવરણ ફેલાય ગયું છે ત્યારે નર્મદા ચોકડી થી દહેજ સુધી માત્ર શ્રવણ ચોકડી,જંબુસર બાયપાસ ચોકડી વગેરે વિસ્તારોને બાદ કરતા સમગ્ર વિસ્તારોમાં સુમકારનું વાતાવરણ જણાય રહ્યું છે.મસમોટા શોપિંગ સેન્ટરો અને ફ્લેટ સંકુલોના જયારે ખાતમુર્હત કરાયા હતા ત્યારે યોજાયેલ પ્રસંગોમાં ભવ્યતા જણાતી હતી.બિલ્ડરો અને આયોજકોને એમ હતું કે ટપો-ટપ દુકાનો અને ફ્લેટોનું વેચાણ થઇ જશે પરંતુ તેમ થઇ ન શક્યું.મંદીના કારણે તેમજ જુદી જુદી કંપનીના કર્તા-હર્તાઓએ પોતાના કર્મચારીઓ માટે ટાઉનશિપો તૈયાર કરી દીધી હોય અને કેટલાક કર્મચારીઓ ભરૂચ ખાતે રહેવા માંગતા હોય આ પરિસ્થિતિનું સર્જન થયું છે.મોટા સંકુલો પછી તે ફ્લેટો હોય કે ઓફિસ સંકુલો હોય તે ખાલીખમ પડ્યા છે.બીલ્ડરોનું રોકાણ એમનું એમ હોવા છતાં બિલ્ડરો દુકાનો અને ફ્લેટોના ભાવ ગોકળગાયની ગતિએ ઓછા કરી રહ્યા છે.જમીન લે વેચ કરવાનો ધંધો લગભગ ઠપ થઈ ગયો છે ત્યારે બિલ્ડરો દેવાના ડુંગર નીચે છે તેમ છતાં તમાચો મારી ગાલ લાલ રાખવાની વાતો માર્કેટમાં કરવી પડે છે.તેવી મજબૂરી બિલ્ડરોની છે.આવનારા વર્ષોમાં જો આ પરિસ્થિતિ નહિ સુધરે તો આર્થિક ભીસ વધુ વકરે તેવી સંભાવના જણાય રહી છે.