સંસ્કૃતમાં પલાશ… અને ગુજરાતીમાં ખાખરા તરીકે ઓળખાતો કેસૂડો ધૂળેટીનું પર્વ આવે ત્યારે અચૂક યાદ આવે….. અનેકવિધ ઔષધીય ઉપયોગ ધરાવતા કેસૂડાના ફુલો વીના કેસૂડાના રંગોત્સવની ઉજવણી અધૂરી જ ગણાય….. સ્વામિનારાયણ મંદિર હોય કે વૈષ્ણવ સંપ્રદાયની હવેલીમાં ઉજવાતો રંગ ઉત્સવ હોય….. કેસૂડાના રતુમડાં ફૂલોમાંથી બનાવેલ રંગનો ઇષ્ટદેવ પર અભિષેક કરવાની પરંપરા છે…. તો પ્રકૃતિની અનમોલ ભેટ સમાન ખાખરાની ઔષધિય ઉપયોગીતાઓ પણ ભરપૂર છે…… હાલ ભરૂચ જિલ્લામાં ઝઘડીયના કેસૂડાના રતૂમડા ફૂલો પ્રકૃતિપ્રેમિઓના મન મોહી રહ્યા છેે.
શરીરને શીતળતા પ્રદાન કરતા આ ઔષધીય કલ્પવૃક્ષની વિવિધ જાતો ગુજરાતમાં જોવા મળે છે. ૧૦૦૦થી વધુ ઔષધીય વનસ્પતિઓની વિવિધતા ધરાવતા ગુજરાત પ્રદેશમાં સફેદ કેશુડો પણ છે. જો કે, જલાવ લાકડા અને કોલસા પાડવાની લાહ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેસૂડાના અસંખ્ય વૃક્ષોનુ નિકંદન કાઢી નખાયું છે.
હોળીના પર્વની ઉજવણી માટે બજારમાં હર્બલ રંગોનો ઉપયોગ વધ્યો છે. ત્યારે આયુર્વેદના તજજ્ઞો કેસૂડાનો ભરપુર ઉપયોગ કરવા સલાહ આપે છે. કેસૂડાના વૃક્ષનો આયુર્વેદમાં ભારે મહિમા વર્ણવાયો છે. હોળીના પર્વ નિમિત્તે કેસૂડાના ફૂલોને પાણીમાં બોળી રાખી તેમાંથી રંગીન પાણી તૈયાર કરી શકાય. આયુર્વેદ કહે છે કે, કેસૂડાના ઉપયોગથી ત્વચાનો કોઈ પણ રોગ થયો હોય તો તે પણ મટી જાય છે. તે શરીરને શીતળતા બક્ષે છે.
ખાખરો અથવા કેસૂડો કે ખાખરિયા, ખાકડા, ખાખડો, ખાખર અથવા પલાશ એક જાતનું સુંદર ફૂલો ધરાવતું વૃક્ષ છે. સંસ્કૃતમાં તેને બીજસનેહ, બ્રાહ્મોપાદપ, કરક, કૃમિધ્ન, લક્ષતરુ, પલાશ, રક્તપુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી ઓળખવામાં આવે છે.કેસૂડાનાં ફૂલને ઝારખંડ રાજ્યમાં રાજફૂલ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે
આ વૃક્ષ કાળી માટીમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. ખારાશવાળી માટી તેને અનુકૂળ છે. તેમાંથી નીકળતો ગુંદર ઔષધિ તરીકે તેમ જ ચામડું રંગવામાં તથા કમાવવામાં ઉપયોગી છે. તેનાં કુમળાં મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેનાં દોરડાં અને દેશી ચંપલ બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાનાં દોરડાં અને કાગળ બને છે. તેનાં પાનનાં પતરાળાં બનાવાય છે. ખાતર તરીકે તેનાં પાન ઘણાં સારાં છે. તેનાં બિયામાંથી સ્વચ્છ તેલ નીકળે છે. તેનાં ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાખવાથી સુંદર પીળો રંગ થાય છે. દેખાવમાં સાગને મળતું તેનું લાકડું બાંધકામમાં ઉપયોગી છે. બંદૂકનો દારૂ અને કોલસા બનાવવામાં તે કામ આવે છે. બે વર્ષના કુમળાં વૃક્ષનાં મૂળ કેટલાક ગરીબ લોકો શેકીને ખાય છે, પણ મૂળ કાચાં ખવાય તો ચકરી આવે.
ચંદ્રનું આ પવિત્ર વૃક્ષ છે. કહેવાય છે કે, સોમરસ પીધેલા ગરુડનાં પીંછાંમાંથી તેની ઉત્પત્તિ થઈ છે. સોમરસનો તેમાં અંશ હોવાથી કેટલીક ધાર્મિક ક્રિયામાં તેનો ઉપયોગ થાય છે. તેનાં સૂકાં લાકડાં યજ્ઞમાં હોમાય છે. કેટલાંક પવિત્ર વાસણ અને બ્રહ્મચારીનો દંડ તેના લાકડામાંથી બનાવાય છે. જનોઈ આપતી વખતે કેશ કાપ્યા પછી બ્રહ્મચારીને પલાશના પતરાળામાં જમવું પડે છે. તે પતરાળું ત્રણ પાનના સમૂહનું બનેલું હોય છે, જેમાં મધ્યનું પાંદડું વિષ્ણુ, ડાબું બ્રહ્મા અને જમણું શિવ મનાય છે.
ખાખરો ઉષ્ણ, તૂરો, વૃષ્ય, અગ્નિદીપક, સારક, કડવો, સ્નિગ્ધ, ગ્રાહક તથા ભગ્નસંધાનકારક છે. વ્રણ, ગુલ્મ, કૃતિ, પ્લીહા, સંગ્રહણી, અર્શ, વાયુ, કફ, યોનિરોગ અને પિત્તરોગનો નાશ કરનાર કહેવાય છે. તેનાં સ્વાદુ, કડવાં, ઉષ્ણ, તૂરાં, વાતુલ, ગ્રાહક, શીતળ તથા તીખાં ફૂલ તૃષા, દાહ, પિત્ત, કફ, રક્તદોષ, કોઢ અને મૂત્રકૃચ્છ્રનો નાશ કરનાર મનાય છે. તેનાં ફળ રુક્ષ, લઘુ, ઉષ્ણ તથા પાક કાળે તીખાં હોય અને કફ, વાયુ, કૃમિ કોઢ, ગુલ્મ, પ્રમેહ, અર્શ તથા શૂળના રોગ ઉપર વપરાય. તેનાં સ્નિગ્ધ, ઉષ્ણ અને તીખાં બીયાં કફ તથા કૃમિનો નાશ કરે છે.
આમ, જે સંપૂર્ણ વૃક્ષ જ અનેક રીતે ઉપયોગી છે. જેને કલ્પવૃક્ષ ગણવામા આવ્યું છે. આ અતિ મુલ્યવાન કલ્પવૃક્ષની માવજત અને રક્ષણ માટે લોકજાગૃતિ કેળવાય તે ઇચ્છનીય છે.