ન્યુઝીલેન્ડ માટે શુક્રવારનો દીવસ બ્લેક ફ્રાઇડે પુરવાર થયો હતો. ક્રાઇસ્ટચર્ચ શહેરની બે મસ્જિદમાં ઓસ્ટ્રેલિયન નાગરિકે કરેલા અંધાધુધ ગોળીબારમાં 40થી વધારે લોકોના મોત થયાં છે જયારે 20થી વધારે લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ગંભીર ઇજાગ્રસ્તોમાં એક ભરૂચ તાલુકાના લુવારા ગામના વતની હોવાની વિગતો બહાર આવી છે. ભરૂચ ખાતે રહેતાં હસનભાઇના જણાવ્યા અનુસાર તેમના સગા કાકાના દીકરા હાફેઝ મુસા વલીનો જન્મ લુવારા ગામમાં થયો હતો. તેમનું બાળપણ લુવારા ગામના સરપંચ ફળિયામાં વીત્યું હતું. 25 વર્ષ સુધી લુવારામાં રહયાં બાદ તેઓ ફીજી દેશમાં સ્થાયી થયાં હતાં. ફીજીના લાસુકા શહેરની જામા મસ્જીદમાં તેઓ પેશ ઇમામ તરીકે સેવાઓ આપતાં હતાં.
35 વર્ષ સુધી પેશ ઇમામની સેવાઓ આપ્યાં બાદ તેઓ નિવૃત થયાં હતાં. દરમિયાન તેમણે ન્યુઝીલેન્ડના નાગરિકત્વ માટે અરજી કરી હતી જે મંજુર થતાં તેમને ત્યાંનું નાગરીકત્વ મળ્યું હતું. બે સપ્તાહ પહેલા જ તેઓ ફીજીથી ન્યુઝીલેન્ડ ખાતે રહેતી તેમની દીકરીના ઘરે પત્ની સાથે ગયાં હતાં. તેમના પત્ની ફીજી નાગરિક છે. શુક્રવારના રોજ તેઓ ક્રાઇસ્ટચર્ચની મસ્જીદમાં નમાઝ અદા કરવા માટે ગયાં હતાં તે દરમિયાન ગોળીબારની ઘટના બની હતી. તેમને કમરની નીચેના ભાગે ગોળી વાગી છે અને તેઓ હાલ ત્યાંની હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં છે. તેમના પત્ની અને પરીવાર હોસ્પિટલમાં તેમની સાથે છે. લુવારા ગામમાં તેમના પિતરાઇ ભાઇઓ અને બહેનો રહે છે. અમે ભારતમાંથી તેમના સતત સંપર્કમાં છીએ.