રાજપીપળા:ડેડીયાપાડાના ખોખરામર ગામે 1982 થી કાર્યરત ભારત સેવાશ્રમના છાત્રલાયમાં 55 જેટલા આદિવાસી બાળકો રહીને આજુબાજુની શાળામાં અભ્યાસ કરે છે.બોધમિત્રાનંદ સ્વામી આ આશ્રમના સંચાલક છે.ડેડીયાપાડા ધરાસભ્ય મહેશ વસાવા સહિત અન્ય લોકો વિરુદ્ધ આ સંસ્થાને બદનામ કરવા કાવતરું રચ્યું હોવાનો આક્ષેપ બોધમિત્રાનંદ સ્વામીએ લગાવ્યો છે.અને આ મુદ્દે નર્મદા જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા,કારોબારી ચેરમેન બહાદુર વસાવા,મહેશ જી વસાવા સહિત મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે એ આશ્રમ પર ગયા હતા.અને જાહેર રેડ કરી ચેકીંગ કરીને સંચાલકો પર દબાણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો હતો.બંધ દરવાજાના તાળા પણ તોડી નાખ્યા સહિતની કામગીરીથી વાતાવરણ તંગ બની ગયું હતું.તમે બાળકોને રાખી ધાર્મિક પ્રવૃત્તિ કેમ કરો છો,બાળકોને બરાબર સગવડ કેમ આપતા નથી,તમે જે જુના ગૃહપતિને છુટા કર્યા છે એમને પરત નોકરી પર રાખવા જ પડશે એમ ધરાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું.બાદમાં ધારાસભ્યએ મામલતદાર,TDO અને ડેડીયાપાડા PSIને પણ બોલાવ્યા હતા.
આ ઘટનાના પ્રત્યાઘાતો વિપરીત પડતા સાંસદ મનસુખ વસાવા આશ્રમના સંચાલક બોધમિત્રાનંદ સ્વામી, ઇનરેકા સંસ્થાના સંચાલક વિનોદ કૌશિક,શંકર વસાવા,વીએચપી સંગઠન નિશિત ટેલર,પ્રજ્ઞેશ રામી સહીત આગેવાનોએ જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલને ધારાસભ્ય મહેશ વસાવા વિરુદ્ધ રજૂઆત કરી આ પૂર્વ આધારિત કાવતરું ગણાવી તમામ સામે ફરિયાદની માંગણી કરી હતી.આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય મહેશ વસાવા સામે આક્ષેપો કર્યા હતા કે ચૂંટણી જાહેર થઈ હોવાથી પ્રજા પર પ્રભાવ પાડવાનો પ્રયાસ અને મોટી ધાડ મારી હોય તેવુ બતાવવા માંગે છે.ધારાસભ્ય અને કારોબારી ચેરમેન હિન્દૂ સંસ્કૃતીનાં કટ્ટર વિરોધી છે.હિન્દૂ સંસ્થાને દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ધારાસભ્ય અને કારોબારી સમિતિના ચેરમેન સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને જે આધિકારીઓ ત્યાં ગયા હતા એમની સામે પણ પગલાં ભરવા જોઈએ.