ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે.જેમાં ખાસ કરીને ભરૂચના મુખ્ય માર્ગો સ્ટેશન રોડ તથા પાંચબત્તીથી સોનેરી મહેલ તથા પાંચબત્તીથી શક્તિનાથના માર્ગ ઉપરથી પસાર થવા જીવનું જોખમ ઉઠાવવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં પણ ટ્રાફિક નિયમોનું કડકાઇથી પાલન થતું નથી એવું વિદિત થાય છે.
ભરૂચ શહેરમાં સ્ટેશનરોડ પર આવેલી દુકાનો અને જ્યાં ટ્રાફિક પોઇન્ટ મુકેલા છે તે જગ્યાએ ગમે ત્યાં રોડ પર થઈ રહેલા આડેધડ પાર્કિંગના કારણે અવારનવાર વાહન ચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને બિગ-બજાર પાસે તથા પાંચબત્તી સર્કલ પાસે ગમે ત્યાં આડેધડ રીક્ષાઓ તથા શાકભાજી તથા ફળફળાદિની લારીઓવાળા ઓ પણ રોડની સાઈડ ને બદલે રોડ પર જ પોતાનો ધંધો કરી રહ્યા છે અને રિક્ષાઓને તો ભરૂચ પોલીસે છૂટ આપેલી છે કે તમારે મન ફાવે ત્યાં રીક્ષા ઉભી કરી દેવી અને ટ્રાફિક પોલીસની કોઈપણ પરવા કર્યા વિના આડેધડ પાર્કિંગ કરવું એટલે કે ટ્રાફિક પોલીસ ખાતુ પોતાની ફરજ બજાવતું નથી અથવા ટ્રાફિકના નિયમોનો આડેધડ ભંગ કરવો એ કોઈ ગુનો નથી એવું સાબિત થાય છે.
પાંચબત્તીથી ભારતીટોકીઝ સુધી બંને બાજુએ આવેલા શોપિંગ સેન્ટરોની દુકાનોની બહાર ફોરવિહલરોની આડેધડ કતાર લાગેલી રહે છે શું આ બાબતે સત્તાવાળાઓ તથા ટ્રાફિક કંટ્રોલ કરનારાઓની જવાબદારી નથી? શું ટ્રાફિક દૂર કરવા માટે શરૂ કરાયેલી ક્રેન ફક્ત અમુક ચોક્કસ વિસ્તાર માટે જ છે.
પાંચબત્તીથી શક્તિનાથ જવાના રસ્તા ઉપર લારીઓવાળાઓ પોતાનો કબજો જમાવીને બેસી જાય છે જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા રહે છે ખાસ કરીને સેવાશ્રમ રોડ પાસે ICICI બેન્ક પાસે જોવા જઈએ તો આખો રોડ લારીઓવાળા રોકી રાખે છે પરંતુ આ આખી બાબતમાં એવું જાણવા મળે છે કે ભરૂચ શહેરમાં પાર્કિંગ ક્યાં કરવું? અને ક્યાં ન કરવું? તેના કોઈ સાઈનબોર્ડ લગાવેલા નથી અને લગાવેલા હતા ત્યાંના કેટલાક બોર્ડ નીકળી ગયેલા જોવા મળે છે કેટલીક પાર્કિંગની જગ્યાએ ચાની તથા પાન-બીડીના લારી-ગલ્લાવાળાઓએ અડ્ડો જમાવેલ છે જેથી (ભારતી સિનેમા BSNL ઓફિસ) રીક્ષાવાળાઓ રોડ પર જ પાર્કિંગ કરે છે.
ટૂંકમાં ભરૂચ શહેરની જનતાને પોતાનું વાહન ક્યાં પાર્ક કરવું? અને ક્યાં ન કરવું? તેની સમજ પડતી નથી જેને કારણે નાગરિકોને ક્રેન દ્વારા વાહન ઉઠાવી જતા દંડ ભરવો પડે છે.આ બાબતે જનહિતમાં ભરૂચ નગરપાલિકા અને ભરૂચ શહેર ટ્રાફિક નિયમન પોલીસખાતાએ મળીને ક્યાં પાર્કિંગ કરવું ફક્ત ટુ-વ્હીલર માટે કે ટુ-વ્હીલર તથા થ્રી-વ્હીલર માટે કે ફક્ત ફોરવ્હીલર માટેનું સંખ્યા સાથેનું પાર્કિંગ બોર્ડ મૂકવું અને જ્યાં ટ્રાફિકની સમસ્યા અવારનવાર થઈ રહેલ છે ત્યાં તો પાર્કિંગના બોર્ડ મૂકવા જોઈએ જેથી લોકોને પોતાનું વાહન ક્યાં પાર્કીંગ કરવું અને ક્યાં ન કરવું તે જાણી શકે.ટ્રાફિક નિયમોની નિયમાવલી અને ટ્રાફિકભંગ થાયતો તેનો કેટલો દંડ થાય તે વિશેની માહિતી લોકો સુધી પહોંચાડવી જેથી લોકોમાં ટ્રાફિક અવેરનેસની સમજ આવે.