ભરૂચ SOG પોલીસ દ્વારા ગેરકાયદેસર ચાલતું કોલસેન્ટર ઝડપી પાડેલ છે આ કોલ સેન્ટર મનુબર ચોકડીથી મનુબર ગામ તરફ જવાના રોડ પર આવેલ અહેમદનગર સોસાયટીના મકાન નંબર-B/244/14/2 માં કાર્યરત હતું જેના દ્વારા અમેરિકા સુધી છેતરપિંડી કરાતી હતી.આ સાઇબર ક્રાઇમમા ભેજાબાજોએ અદ્યતન ઉપકરણો નો ઉપયોગ કર્યો હતો.
આ બનાવની વિગત જોતા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શનના આધારે PI SOG પી.એન.પટેલ,PSI કે.એમ ચૌધરી તથા SOG પોલીસ સ્ટાફના માણસોએ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર જુલાલભાઈ ને મળેલ બાતમી અનુસાર અહેમદનગર સોસાયટીના મકાન નંબર-B/244/14/2 માં રેડ કરતા અમદાવાદનો મૂળ રહીશ આસીફખાન યુસુફખાન પઠાણ અન્ય છ વ્યક્તિઓ સાથે ઝડપાયો હતો. આ છ વ્યક્તિઓને તેણે મોટા પગારથી નોકરીએ રાખ્યા હતા જે આ મકાનમાં રહી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી લોન માટે ઇચ્છા ધરાવનાર અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ કરતા હતા. આ સાતેય આરોપીઓને પકડી પાડેલ છે અને કોલ સેન્ટર ચલાવવા માટેના સાધનસામગ્રી પૈકી લેપટોપ નંગ-9, મોબાઈલ નંગ-8,એક્સ્ટેંશન બોર્ડ નંગ-5,રાઉટર નંગ-૩ ,પ્લાસ્ટિકના ટેબલ નંગ-3, ખુરશી નંગ-છ, અંગજડતીના રોકડા રૂપિયા તેમજ હુન્ડાઈ કંપનીની I-20 મોડેલની મોટરકાર મળી કુલ રૂપિયા 6,21,270 નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે. આ બનાવ અંગે SOG પોલીસ તપાસ કરી રહી છે.બનાવમાં અમેરિકનોને ફોન કરી લોભામણી લાલચો આપવામાં આવતી હતી જેના પગલે અમેરિકાનો જે તે વિસ્તારમાં કાર્ડ ખરીદી શોપિંગ કરતા હતા જેનો સીધો નાણાકીય ફાયદો આ ગુનાના મુખ્ય આરોપીઓને મળતો હતો જોકે આ બનાવની હજી સઘન તપાસ દરમિયાન અમેરિકા ખાતે કાર્ડનો ઉપયોગ કરાતા ભરૂચ નજીક મનુબર વિસ્તારમાં રહેતા આરોપીઓને નાણાકીય ફાયદો કઈ રીતે થતો હતો અને વચ્ચે બીજા કોણ હતા તે બાબત તપાસનો વિષય બની ગયો છે.