ગતરોજ મોડી રાત્રે ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ નર્મદા ચોકડી પરથી પસાર થતી લક્ઝરી બસ પલટી ખાતાં ૧૫ કરતાં વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે જ્યારે આ બનાવ અંગે સી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.
ગતરોજ ભરૂચ નજીક આવેલ નર્મદા ચોકડી પાસેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લક્ઝરી બસ નં-GJ16-Z-0090 પસાર થઇ રહી હતી મળતી માહિતી પ્રમાણે આ લક્ઝરી બસ જામનગર તરફ જઈ રહી હતી તેવામાં અચાનક અગમ્ય કારણોસર લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. રાત્રિના સમયે જ્યારે લક્ઝરીમાં સવાર મુસાફરો આરામદાયક બેઠક પર નિંદ્રામાં મસ્ત હતા ત્યારે અચાનક બસ પલટી ખાતાં મુસાફરો ગભરાઈ ઉઠી કિકિયારીઓ પાડી હતી જેના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તેમણે સમયસરની બચાવ કામગીરી શરૂ કરી હતી. મુસાફરોને પલટી ખાઈ ગયેલ લક્ઝરી બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્ત એવા લગભગ ૧૫ જેટલા મુસાફરોને સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ લક્ઝરી બસ કયા કારણોસર પલટી ખાઈ ગઈ હતી તેની તપાસ સી ડિવિઝન પોલીસ કરી રહી છે. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલમાં ઘટનાસ્થળેથી ઇજાગ્રસ્તોને લઈ જવા માટે ૧૦૮ ઈમરજન્સી સેવાએ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.