જાહેરમાં સૂકો કે ભીનો કચરો નાખશો તો જાતે સફાઈ કરાવાશે : 1500 રૂપિયા દંડ કરાશે
ગ્રામપંચાયત દ્વારા ટેમ્પો ઘરે ઘરે કચરો ઉઘરાવે છે, કચરાપેટીનું વિતરણ કર્યું છે છતાં જાહેરમાં કચરો ફેંકાય છે.
રાજપીપલા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલાને અડીને આવેલ વડિયા ગામ એ ડીઝીટલ અને મોડેલ ગામ તરીકે જાહેર થયું છે.સ્વચ્છતા માટે પણ ગ્રામ પંચાયત ઘણી ગંભીર છે ત્યારે વડિયા ગામે આવેલ સોસાયટીઓના રહીશો દ્વારા ખુલ્લે આમ જાહેરમાં ગંદો કચરો નાખવામાં આવે છે.જેનાથી ગંદકી થાય છે ત્યારે હવે વડિયા ગ્રામપંચાયત લાલઘૂમ બની છે.સરપંચ મહેશ રજવાડી અને તલાટી કમ મંત્રી દેવેન્દ્ર જોષી દ્વારા આ તમામ સોસાયટીની બહાર ફેંકાતા કચરા અંગે રહીશોને નોટિસો અપાઈ છે.જો હવે જાહેરમાં કચરો નાખવામાં આવશે ત્યારે જે તે નાખનાર વ્યક્તિઓ પાસે સફાઈ કરાવવામાં આવશે અને એમની પાસેથી 1500 રૂપિયા દંડની પણ જોગવાઈ કરતા સોસાયટીઓમાં ફફળાટ ફેલાયો છે.
આ બાબતે સરપંચ મહેશ વસાવાએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે ટેમ્પો ફેરવવામાં આવે છે.સોસાયટીઓમાં મોટી કચરા પેટી અમુક અંતરે મુકવામાં આવી છે તથા તમામ ઘરોમાં નાની કચરા પેટી આપવામાં આવી છે. છતાં લોક ઘરના કચરાને બહાર જાહેરમાં નાખી ગંદકી કરી રહ્યા છે.જેથી કડક વલણ કરવું પડ્યું છે.શિક્ષિત વર્ગ જ આવી ભૂલો કરે છે જેથી અમારે હવે કડક બનવું પડશે.જો કોઈ દંડ નહિ ભારે તો તેનું પાણીનું કનેશન પણ કાપી શકાય અથવા ફોજદારી ગુનો નોંધવા જેવા પગલાં ભરવામાં આવશે.