સુરેન્દ્રનગર
કલ્પેશ વાઢેર
ધ્રાંગધ્રા શહેરમાં ધોળીધાર વિસ્તારમા યુવતી ભગાડી જવા બાબતે બે પરિવાર વચ્ચે મનદુ:ખ થતા બંને પરિવારો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં મકાનમાં તોડફોડ કરી 3 વાહનો સળગાવાતા ઘટના સ્થળે સિટી પોલીસ દોડી ગઇ હતી. આ બનાવમાં ધ્રાંગધ્રા સિટી પોલીસમાં બન્ને પરિવારોએ સામસામી ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધ્રાંગધ્રાના ધોળીધાર અને હરીપર રોડ પર રહેતાં બે પરિવાર વચ્ચે યુવતી ભગાડી જવાના બનાવને લઈને મનદુ:ખ ચાલતું હતું. જેમાં મમતાબેન.બી.ચૌહાણના ઘરે પ્રેમજીભાઈ કાળુભાઇ પરમાર, નીલેશભાઈ પરમાર અને મંધુબેન કાળુભાઇ ચૌહાણે આવી બોલાચાલી કરી ઉશ્કેરાઈ હુમલો કરી મારમારી ધમકી આપ્યાની ફરીયાદ સિટી પોલીસ મથકે નોંધાઇ હતી. આ બનાવનું મનદુ:ખ રાખી પ્રેમજીભાઈ કાળુભાઇ પરમારના ધોળીધાર વિસ્તારમાં આવેલા ઘરે ભલજીભાઇ ચૌહાણ,મામતાબેન. બી.ચૌહાણ,રાકેશભાઈ.બી.ચૌહાણ અને રવીન્દ્રભાઈ બી.ચૌહાણ આવી બોલાચાલી કરી ઉશ્કેરાઈ હુમલો કરી ઘરના ફળીયામાં પડેલા ત્રણ વાહનોને આગ ચાંપી ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સિટી પોલસને જાણ થતાં સિટી પોલીસ ઘટના સ્થળે આવી ગઇ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમજ બંને પરિવારોએ સામસામે પોલીસ ફરીયાદ નોંધાવતા આ બનાવની વધુ તપાસ પીએસઆઇ કે.આર.કાપડીયા ચલાવી રહયા છે.