નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા તથા મરસણ ગામના ખેડૂતોને જ્યારથી મરસણ માઇનોર કેનાલનું નિર્માણ કરાયું છે ત્યારથી આજ દિન સુધી આ કેનાલનું એક ટીપું પાણી ન મળતાં ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે. આ બાબતે ગામના આગેવાન ગૌરવ ભાઈએ જણાવ્યું હતું કે જ્યારથી કેનાલનું નિર્માણ થયું છે ત્યારથી માંડીને આજ દિન સુધી કેનાલનું પાણી મળ્યું જ નથી. જેથી ગ્રામજનોને ખેતી માટે, સિંચાઈ માટે તેમજ ઢોરઢાંખરના પશુચારા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ પાણી નહીં મળતાં કપાસનો પાક પણ સુકાઈ જાય છે. આ બાબતે કેવડિયા કોલોની ખાતે જે તે સંબંધિત કચેરીના અધિકારીઓને પણ જાણ કરી છે તેમ છતાં આજ દિન સુધી આ માંગણીઓને કચેરીએ ધ્યાનમાં લીધી નથી.
વધુમાં જાણવા મળેલ છે કે આ બાબતે ગ્રામજનોએ કલેકટર શ્રી, નર્મદા જિલ્લાને પણ લેખિતમાં જાણ કરેલ છે. જો ગ્રામજનોને સત્વરે પાણી આપવામાં નહીં આવે તો મુખ્યમંત્રીની કચેરીના દ્વાર ખખડાવતા પણ અચકાશે નહીં તેમ જાણવા મળેલ છે.