નાના ઉદ્યોગો સહિતના વેપારીઓનો આંકડો ક્યાંક વધુ..!
આમ જોવા જઈએ તો ભરૂચના ઉદ્યોગ હાલ આંશિક મંદીનો સામનો કરી રહ્યા છે. જોકે આ એકમોમાં કામ કરતા કામદારોને બોનસના નાણા ચૂકવવામાં તેમણે કસર કરી નથી.
ભરુચ લેબર કમિશનરની કચેરીમાંથી દિવાળી બોનસના સત્તાવાર આંકડા બહાર પાડવામાં આવ્યા છે. આ મુજબ ભરૂચ જિલ્લાના 147 ઔદ્યોગિક એકમોએ 33,768 શ્રમયોગીઓને રૂપિયા 58,82,66,026 જેટલુ જંગી રકમનું બોનસ ચૂકવ્યું છે. લેબર કમિશનર કચેરીએ બહાર પાડેલા આંકડા આ 22 ઓક્ટોબર 2018થી 6 નવેમ્બર 2018 દરમિયાન અને 12 નવેમ્બર 2018થી 30 નવેમ્બર 2018 દરમિયાનના છે.
નોંધવું ઘટે કે માત્ર 147 ઔદ્યોગિક એકમ હોય આ રકમ ચૂકવી છે. આ અંગે આસિસ્ટન્ટ લેબર કમિશનર સોનીએ જણાવ્યું હતું કે… હજુ નાની કંપનીઓના આંકડા આવ્યા નથી. એ જોતા બોનસની રકમ ક્યાંક વધુ હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાની 7વસાહતોમાં 2500 જેટલા નાના મોટા ઉદ્યોગો છે. એ જોતા બોનસનો આંકડો અબજને પણ પાર કરે તેવી સંભાવના વધુ છે. ઉદ્યોગકારો કે ઉદ્યોગ એકમો ભલે મંદીનો સામનો કરતા હોય. પરંતુ, દિપાવલી જેવા મહાપર્વ ટાણે પોતાના કર્મચારીઓને આર્થિક સંકડામણનો સામનો ન કરવો પડે એનું ખાસ ધ્યાન રાખે છે, જે એક કંપનીઓની સારી નિશાની છે.
દિનેશ અડવાણી, ભરૂચ.