રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમ વોલ ઓફ યુનિટી ખાતે યોજાનાર પ્રાર્થના સભામાં હાજરી આપશે બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે
રાજપીપળા:પીએમ મોદીએ 31મી ઓક્ટોબરે કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.બાદ 1લી નવેમ્બરે એને સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાયા દેશના મહાનુભવોએ એની મુલાકાત લીધી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ્યારથી લોકાર્પણ થયું ત્યારથી લઈને આજ સુધી મહાનુભવોની મુલાકાતને લીધે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગને બિલકુલ નવરાશ મળી નથી.હવે આગામી 15મી ડિસેમ્બરે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે.જેને લઈને સુરક્ષાથી લઈને તમામ બાબતે તંત્ર દ્વારા તૈયારી આરંભી દીધી છે અને જાણવા મળ્યા મુજબ એ તૈયારીઓને લગભગ આખરી ઓપ પણ અપાઈ રહ્યો છે.
નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડિયા ખાતે આવી રહ્યા છે.તો જાણવા મળ્યા મુજબ પ્રથમ વોલ ઓફ યુનિટી ખાતે યોજાનાર પ્રાર્થના સભામાં હાજરી આપશે બાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રવાના થશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતાની સાથે જ ગુજરાત નહિ પણ દેશ-વિદેશના પ્રવાસીઓની સાથે સાથે ઉચ્ચ કક્ષાના મહાનુભવો પણ ત્યાં આવી રહ્યા છે.ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વોલ ઓફ યુનિટી ખાતે યોજાનાર પ્રાર્થના સભા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ કેવડિયા ખાતે બનવા જઈ રહેલા રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત પણ કરશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે રેલવે કનેક્ટિવિટી પણ મળી રહે એ માટે ચાણોદ થી કેવડિયા બ્રોડગેજ લાઇન નવી શરૂ થઈ રહી છે.