જો આ ખાણ ફરી ચાલુ થશે તો એનો વિરોધ કરી ગ્રામજનો મશીનરીને નુકશાન કરશે એની જવાબદારી પ્રશાસન અને ક્વોરી માલિકની રહેશે:બયડી ગ્રામજનોની ચીમકી
રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના બયડી ગામે ચાલતી ક્વોરી મામલે ગ્રામજનોએ આંદોલન છેડવાનું મન બનાવી દીધું છે.જો આ ક્વોરી ફરી ચાલુ થશે તો ઉગ્ર આંદોલન કરી ક્વોરીની મશીનરીને નુકસાન કરવાની લેખિતમાં ચીમકી બયડી ગામના ગ્રામજનોએ ડેડીયાપાડાના મામલતદારને આપી છે.પોતાની આ રજુઆતમાં ગ્રામજનોએ આ ક્વોરીના માલિકને માથાભારે તથા રાજકીય વગને લીધે લોકોને ધાકધમકી આપતો હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે.સામરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના બયડી ગામના ગ્રામજનોની આ રજુઆત બાદ નર્મદા જિલ્લાના અન્ય ક્વોરી માલિકોમાં પણ ફફડાટ ફેલાયો છે.
ડેડીયાપાડાના સામરપાડા ગ્રુપ ગ્રામપંચાયતના બયડી ગામના ગ્રામજનોએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે જો આ ખાણ(ક્વોરી) ફરી ચાલુ કરાશે તો બયડી,સામરપાડા(થવા),ઘોડી,સામરપાડા ન.વ,થપાવી તેમજ આસપાસના બીજા 5 ગામોને નુકસાન પહોંચશે.આ ખાણ જ્યારે બંધ હતી ત્યારે આ તમામ ગામોમાં 100 ફુટેથી પાણી નીકળતું હતું,જો આ ખાણ ફરી ચાલુ થશે તો પાણીના સ્તર 500-700 ફૂટ ઊંડા જતા રહેશે અને પાણીની ગંભીર સંસ્યાઓ સર્જાશે.વર્ષ 2015-16માં પણ આ ચાલુ ખાણનો વિરિધ નોંધાવી ગ્રામજનોએ મશીનરીને નુકશાન પહોચાડ્યું હતું,જો ફરી ચાલુ થશે તો ખાણમાં જે કાંઈ પણ નુકશાન થશે એનો જવાબદાર જિલ્લા પ્રશાસન અને ખાણના માલિકને ગણવો.આ ખાણની જ્યારે પરમિશન અપાઈ ત્યારે નિયમ મુજબ બ્લાસ્ટિંગ કર્યું ન હોવાથી દૂર દૂર સુધીના ગામોમાં ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જ્યારે ખાણ ચાલુ થાય છે ત્યારે રસ્તાઓ બિસમાર હાલતમાં થઈ જાય છે માણસોને અવરજવરમાં તકલીફ પડે છે.હાલ નર્મદા જિલ્લામાં પેસા એક્ટ લાગુ છે જેથી ગ્રામપંચાયતની પરવાનગી વિના કોઈ પણ પ્રકારનું ખાણ ખનિજનું ખનન કરી શકાય નહીં.આ ખાણનો(ક્વોરી) માલિક માથાભારે અને રાજકીય વગ ધરાવતો હોવાથી આસપાસના લોકોને ધાકધમકી આપી ફરી આ ખાણ ચાલુ કરાવવાનો પ્રયત્ન કરે છે.