કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખકઃ- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હિરેન પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઇને આખો દિવસ ભારતીય સંસ્કૃતિને અબખોડવાનું કામ કર્યા કરે છે. સામાજીક કુરીવાજોનો ઉકેલ લાવવાના બદલે હીરેન કુરીવાજો વિશે વાતો કર્યા કરે છે. તો બીજી બાજુ હિરેનની પ્રેમીકા અનિતા સતત લોકોની વચ્ચે રહીને સમાજમાંથી કુરીવાજો નાબુદ કરવા માટે પ્રયત્નશીલ છે. હિરેન હંમેશા અનિતાને કહે છે કે તું ખોટી મહેનત કરે છે, તારા એકલાથી કાંઇ સમાજમાં પરીવર્તન નહી આવે ત્યારે અનિતાએ કહ્યુ કે, કોઇ એક વ્યક્તિએ તો શરૂઆત કરવી પડશે, પરીવર્તનએ ખુબ લાંબી પ્રક્રિયા છે. થોડી વાર લાગશે પરંતુ સમાજમાં ચોક્કસ પરીવર્તન આવશે. અનિતા તારે તો આઝાદી પહેલા જન્મ લઇને સ્વતંત્ર્ય સેનાની થવાની જરૂર હતી તેમ હિરેને કહ્યુ. એ તક તો મને નથી મળી પરંતુ દેશ માટે મરવાને બદલે નાથાકાકાની જેમ દેશ માટે જીવવાની મને તક મળી છે તેનો હું સદઉપયોગ કરીશ તેમ અનિતાએ જણાવ્યુ. હિરેને કહ્યુ કે તું આખો દિવસ નાથાકાકાનું નામ લીધા કરે છે આ નાથાકાકા કોણ છે, તેમણે આઝાદી ઉપરાંત સામાજીક સમરસતા માટે શુ કામ કર્યુ છે. અનીતાએ કહ્યુ કે સાંભળ હીરેન નાથાકાકા અમદાવાદ જીલ્લાના કાવિઠા ગામના સ્વાતંત્ર્ય સેનાની હતા. તો એમના જીવન વિશે મને જણાવ તો ખરી તેમ હીરેને કહ્યું.
અનિતાએ કહ્યુ કે, “મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં ચાલતા સત્યાગ્રહ આંદોલનમાં ભારત દેશને અંગ્રેજોના અત્યાચારી શાસનમાંથી મુક્ત કરાવવા માટે દેશભરમાં લાખો લોકો સ્વયંભુ જોડાઇ રહ્યા હતા. બાવળા તાલુકાના કાવીઠા ગામના અનેક લોકો પણ ભારત દેશને આઝાદી અપાવવા માટેની ચળવળમાં જોડાયા હતા. અંગ્રેજોના શાસનમાં કાવીઠા સહિત આસપાસના ગામના લોકોના મનમાં આઝાદીની ચળવળના બીજ રોપવાનું ભગીરથ કાર્ય નાથાભાઇ હકાભાઇ રાઠોડે કર્યુ હતુ. ૧૨મી જુલાઇ ૧૮૯૬માં તત્કાલીન ધોળકા (વર્તમાન બાવળા) તાલુકાના કાવીઠા ગામમાં વિરલ વિભુતી સમાન નાથાભાઇનો જન્મ થયો હતો. પિતા હકાભાઇ રાઠોડના બીજા નંબરના પુત્ર નાથાભાઇ હતા. તેઓ રજોડા ગામના નારી રત્ન કાશીબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ વિર પુરૂષના ઘરે પુત્ર માવુભાઇ અને તખુબેન તથા સુબાબેન એમ બે પુત્રીઓનો જન્મ થયો હતો. જન્મજાત ખેડુત પુત્ર હોવા છતાં ઉચ્ચ અભ્યાસ અને નિડરતા સાથે સાહસિક વૃત્તિ ધરાવતા નાથાભાઇ હકાભાઇ રાઠોડ વર્ષ ૧૯૨૭-૨૮માં અંગ્રેજ શાસનમાં કાવીઠા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપી રહ્યા હતા.” આ તો થઇ તેમના જીવનના પ્રારંભીક તબક્કાની વાત પરંતુ નાથાકાકાએ સામાજીક સમરસતા માટે શુ કર્યુ તેવો હિરેને પ્રશ્ન કર્યો.
અનિતાએ હિરેનને જણાવ્યુ કે “મહાત્મા ગાંધીજી દ્વારા સ્વાતંત્ર સંગ્રામની સાથે સાથે અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમ પણ ચલાવવામાં આવી રહ્યો હતો. કાવીઠા ગામમાં નાથાકાકા દ્વારા અસ્પૃશ્યતા નિવારણ માટે ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. વર્ષ ૧૯૩૬માં નાતજાતના ભેદભાવ મીટાવવાના ઉમદા હેતુથી કાવીઠા ગામની પ્રાથમિક શાળામાં સવર્ણ બાળકોની સાથે જ અનુસુચિત જાતીના બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જેના વિરોધમાં શાળાના તમામ સવર્ણ બાળકો શાળા છોડીને ચાલ્યા ગયા હતા અને આ દિવસે ફક્ત નાથાભાઇનો એક દિકરો અને રણછોડબાપાના બે દિકરાઓ અનુસુચિત જાતીના બાળકોની સાથે પ્રાથમિક શાળામાં રહ્યા હતા. નાથાભાઇના આ પગલાના કારણે કાવીઠા ગામના સવર્ણોને ખુબ જ ખરાબ લાગ્યુ હતુ અને સવર્ણો દ્વારા નાથાભાઇનો વિરોધ કરવા માટે ગામ ભેગુ કરવામાં આવ્યુ હતુ. ગામના સવર્ણો દ્વારા નાથાભાઇ અને રણછોડબાપાના કુટુમ્બને નાત બહાર મુકવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત રાજપુત સમાજના ૧૨ ગામના ઘોળના વડાઓને બોલાવીને તેમના કુટુમ્બને ઘોળ બહાર મુકી દેવામાં આવ્યુ હતુ અને ઘોળના આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યુ હતુ કે આ બન્ને કુટુમ્બના છોકરા-છોકરીઓના લગ્નના સંબંધ આપણા સમાજમાં બાંધવા દેવામાં આવશે નહિ. ગામના સવર્ણો અને સમાજના ઘોળના વડાઓ દ્વારા ભરવામાં આવેલા આકરા પગલાઓ છતાં નાથાભાઇ અને રણછોડબાપાનો પરીવાર ડગ્યો ન હતો અને અસ્પૃશ્યતા નિવારણની કામગીરી ચાલુ રાખી હતી.” નાથાકાકા સાથે તો બહુ ખોટુ થયુ કહેવાય હો તેમ હિરેને જણાવ્યુ. જો તું મને સાથ આપતો હોય તો આપણે સાથે મળીને નાથાકાકા દ્વારા શરૂ કરવામાં આવેલા સામાજીક સમરસતાના કામને આગળ વધારીશુ તેમ અનિતાએ કહ્યુ. થોડીવાર હિરેને વિચાર કરીને કહ્યુ કે, જેવી તારી મરજી, આપણે અત્યારથી જ સામાજીક સમરસતાનું કામ શરૂ કરીશુ. તેમ કહીને હીરેન અનિતાને પોતાની સાથે લઇ જાય છે અને પોતાની સાથે અભ્યાસ કરતા અનુસુચિત જાતીના યુવકના ઘરે જઇને ચા નાસ્તો કરે છે. મિત્રએ જ્યારે પ્રશ્ન કર્યો કે, હું સપનું તો નથી જોઇ રહ્યોને કે મારા ઘરે હિરેન આવ્યો છે ત્યારે હિરેને કહ્યુ કે હું હંમેશા તારાથી દુર ભાગતો રહ્યો, તે મારી ભુલ હતી પરંતુ અનિતાએ પ્રેમની તાકાતથી મને સમજાવ્યો છે અને મારી ભુલ સુધારી છે. ભગવાને આપણને સૌને એક સમાન બનાવ્યા છે. જ્ઞાતિ જાતિના ભેદ ભુલીને આપણે સૌ એક જ ઇશ્વરના સંતાન છીએ. હિરેનના આ શબ્દો સાંભળતા જ મિત્ર ભેટી પડે છે ત્યારે હિરેન કહે છે કે થોડા દિવસોમાં જ મારા અને અનિતાના લગ્ન છે અને રસોડાની સઘળી જવાબદારી તારે ઉપાડવાની છે. હું અને રસોડામાં? તેવો મિત્રએ પ્રશ્ન કર્યો ત્યારે હિરેને જણાવ્યુ કે સામાજીક સમરસતાની શરૂઆત તો આપણે સાથે મળીને કરવી પડે.
હિરેનના મિત્રએ પ્રશ્ન કર્યો કે અનિતા આને સામાજીક સમરસતાની પ્રેરણા કોણે આપી ત્યારે અનિતાએ કહ્યુ કે આપણા નાથાકાકાએ. નાથાકાકા એ વળી કોણ છે તેમ હિરેનના મિત્રએ પ્રશ્ન કર્યો. અનિતાએ કહ્યુ કે, “નાથાભાઇ રાઠોડ વર્ષ ૧૯૨૭-૨૮માં અંગ્રેજ સરકારના પગાર પર શિક્ષક તરીકે નોકરી કરતા હતા. આવા સમયે અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલા બગીચામાં મહાત્મા ગાંધીજીની જાહેર સભા યોજાઇ હતી. હજારો શ્રોતાઓની સાથે નાથાભાઇ પણ ગાંધીજીનું ભાષણ સાંભળવા માટે ગયા હતા. સભામાં ગાંધીજીનું ભાષણ સાંભળીને તેઓ ખુબ જ પ્રસન્ન થઇ ગયા હતા. ગાંધીજીના ભારત દેશને આઝાદ કરાવવા માટેના વિચારો નાથાભાઇના હ્યદયમાં ઉતરી ગયા હતા. ગાંધીજીની સભા સાંભળીને નાથાભાઇ સાંજના સમયે પોતાના વતન કાવીઠા ગામમાં પરત ફર્યા હતા અને ગાંધી વિચારો સાથે લઇને આવ્યા હતા. સભામાં ગાંધીજીએ કહેલા વિચારોનું તેઓ સતત મનન કરી રહ્યા હતા અને રાત્રે ઉંઘી પણ શક્યા ન હતા. અવિરત ચિંતન-મનનના અંતે નાથાભાઇએ મનમાં દ્રઢ સંકલ્પ કર્યો હતો કે મારે અંગ્રેજ સરકારની નોકરી અને ગુલામી બન્ને છોડી જ દેવા જોઇએ. ગાંધીજીના વિચારોથી ખુબ જ પ્રભાવિત થયેલા નાથાભાઇ રાઠોડે સભા સાંભળ્યાના બીજા જ દિવસે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી માંથી પોતાનું રાજીનામું અંગ્રેજ સરકારને સુપ્રત કરી દીધુ હતુ. ખેતી કામ કરતા નાથાભાઇના પિતાજી હકાભાઇ રાઠોડને ખબર મળી કે મારા દિકરાએ શિક્ષક તરીકેની નોકરી માંથી રાજીનામું આપી દીધુ છે. તો તેમણે નાથાભાઇને રૂબરૂ બોલાવીને ઠપકો આપતા કહ્યુ કે, નાથા તારાથી તો ખેતીનું કામ પણ થઇ શકે તેમ નથી અને તે શિક્ષકની નોકરી માંથી રાજીનામું આપી દીધુ છે, આ તે બરાબર નથી કર્યુ. આ સમયે નાથાભાઇએ પોતાના પિતાજી હકાભાઇને નમ્ર અને વિવેકી ભાષામાં સમજાવ્યા કે, પિતાજી આપણા ભારત દેશ ઉપર ઇંગ્લેન્ડના અંગ્રેજો દ્વારા અત્યાચારી શાસન કરવામાં આવી રહ્યુ છે અને લોકોનું સતત શોષણ કરવામાં આવી રહ્યુ છે. મેં આ બધુ પહેલી જ વખત મહાત્મા ગાંધીજીના ભાષણમાં સાંભળ્યુ છે. અત્યાર સુધી અંગ્રેજો દ્વારા ભારત દેશમાં કરવામાં આવી રહેલા આવા અમાનવીય અત્યાચારો અને શોષણ વિશે મને કશી જ ખબર ન હતી. પરંતુ ગાંધીજીને સાંભળ્યા પછી મારી આંખો ખુલી ગઇ છે અને હવે હું ભુખે મરવાનું પસંદ કરીશ પરંતુ અંગ્રેજ સરકારની આવી ગુલામીવાળી નોકરી ક્યારેય નહિ કરૂ. પિતાજીએ ઠપકો આપ્યો હોવા છતાં પણ નાથાભાઇએ નોકરીમાંથી આપેલ રાજીનામું પરત ન ખેચ્યું અને ફરીથી ક્યારેય અંગ્રેજોની ગુલામીવાળી નોકરી કરી ન હતી. શિક્ષકની નોકરી છોડ્યા પછી નાથાભાઇ રાઠોડ ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિક બની મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળના અહિંસક સત્યાગ્રહમાં જોડાયા અને પોતાનું સંપુર્ણ જીવનરાષ્ટ્રની સેવામાં સમર્પિત કરી દીધુ હતુ. નાથાભાઇ રાઠોડને લોકો નાથાકાકા કહીને જ બોલાવતા હતા.”
– લેખક:- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
મો.નંબર- 9824856247