આજરોજ ભરૂચ રોટરી ક્લબ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાના અધ્યક્ષ સ્થાને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિની સામાન્ય સભા તેમજ અભિવાદન સમારોહ યોજાયો હતો. સમારંભના પ્રારંભે જ ગતરોજ લોક રક્ષક દળની પરીક્ષા આપવા માટે આવેલ યુવાનો પરીક્ષા રદ્દ થતા નિરાશ થઈ પોતાના ઘરે પરત ફરતી વેળા અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવાનોને શોકાંજલી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સભામાં 7 જેટલા ઠરાવો કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા ભરૂચ જિલ્લાના આગેવાનોને પ્રદેશ સમિતિના સંગઠનમાં અલગ અલગ જવાબદારી આપી ભરૂચ જિલ્લામાં કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો કરાયા જે આવકાર દાયક છે. કાયમી આમંત્રિત તરીકે સાંસદ અહેમદભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે યુનુસ પટેલની નિમણુંક કરવામાં આવી. આ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ સમિતિને વધુ મજબૂત કરવા પ્રદેશ સમિતિમાં વિવિધ પદ આપવામાં આવ્યા જેને પણ આવકાર્ય છે. ઠરાવ નં. 3માં જન સંપર્ક અભિયાન અને અન્ય બાબતો અંગે યોગ્ય કામગીરી તા. 10મી ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા ઠરાવ કરાયો. ઠરાવ નં. 4માં ફલાય ઓવર બ્રિજ અંગે કરાયો જેમાં ગોલ્ડન બ્રિજથી જે.પી.કોલેજ સુધીના ફલાય ઓવર બ્રિજને લંબાવવા તેમજ શ્રવણ ચોકડી વિસ્તારમાં વધુ એક ફલાય ઓવર બ્રિજ બાંધવા અંગે રજુઆત કરવા ઠરાવ કરાયો. ઠરાવ નં. 5માં સભ્યોને મિટિંગમાં હાજર રહેવા અપીલ કરાઈ. તેમજ ઠરાવ નં. 6માં ભરૂચ જિલ્લામાં ઘટતી જતી ખેતીની જમીન અંગે ચિંતા વ્યક્ત કરાઈ. જ્યારે ઠરાવ નં. 7માં વિવિધ કાર્યોમાં મુખ્યમંત્રી નિષ્ફળ ગયેલ હોય તેમના રાજીનામાની માંગ કરવામાં આવી.
આ પ્રસંગે ભરુચ જિલ્લા કોંગ્રેસ પ્રભારી પ્રભુદાસ પ્રજાપતિ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા, પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, જિલ્લા પંચાયતના પ્રમુખ જશું પઢીયાર, શહેર પ્રમુખ વિક્કી શોખી, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા, યુનુસ પટેલ, નાઝુ ફળવાલા, ડી.સી. સોલંકી, દિનેશ અડવાણી તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્ય કર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.