અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી એસ.ટી. ડેપોમાં છેલ્લા ઘણા દિવસોથી સફાઈ થઈ શકતી નથી તેમજ સફાઈનો કોન્ટ્રાક્ટ થયો હોવા છતાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે.
અંકલેશ્વર જીઆઇડીસી ડેપોમાં રાજ્યભરમાંથી તેમજ બહારના રાજ્યોમાંથી 800થી વધુ એસ.ટી. બસ મુસાફરોને લઇને આવતી હોય છે. અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી એસટી ડેપો ખાતે છેલ્લા ઘણા સમયથી પુષ્કળ પ્રમાણમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે, ત્યારે એસટી ડેપો ખાતે સાફ-સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપવા છતાં પણ ગંદકીની સાફ-સફાઈ બરાબર કરવામાં આવતી નથી. અંકેલેશ્વર જીઆઇડીસીમાં મોટા ઉદ્યોગ આવેલા હોવાથી આવતા જતા રહીશો, નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓ આ ગંદકીથી ત્રસ્ત થઈ ચૂક્યા છે. આ અંગે અંકલેશ્વર ડેપોના મેનેજર બીમાર હોવાના કારણે ઇન્ચાર્જ મેનેજરને પૂછતાછ કરતા તેમણે જણાવ્યું હતું કે સફાઈનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા સફાઈ થઈ રહી નથી પરંતુ તેઓ દ્વારા પોતાના ખાનગી સફાઈ કામદારો કામે લગાવી સફાઇ કરવાની ખાતરી આપી હતી.
અંકલેશ્વર શહેર ઔદ્યોગિક ક્ષેત્રે એશિયાનું નંબર વન ગણાતું હોવા છતાં ડેપો જેવી જગ્યાઓએ સફાઇ થઇ શકતી નથી એ ખૂબ જ શરમજનક વાત કહેવાય.