ગુજરાત રાજ્યમાં અંદાજિત 8000 કિલોમીટર જેટલી લાંબી ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રાનો ભાવનગર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. અખિલ ભારતીય નવયુગ સંસ્થાના ગુજરાત ગૌરક્ષા રક્ષા-પ્રદેશ અધ્યક્ષ સંદીપદાન ગઢવીના નેજા હેઠળ આ સાયકલ યાત્રા દ્વારા રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાં ફરી ગૌવંશ પર થતા અત્યાચારો વિરુદ્ધ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે. જેના ભાગરૂપે ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા સોમવારના રોજ ભરૂચ શહેરના વિવિધ માર્ગો પર ફરી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી હતી. આ પ્રસંગે ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રાનું ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.
ભારત રાષ્ટ્રના હિન્દુ સમાજ, પર્યાવરણ અને ગૌવંશને સ્પર્શ કરતી માંગણીઓ જેમકે ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવી, ગુજરાતના તમામ શહેરોમાં થી ગૌચરની જગ્યાએ દબાણ દૂર કરી ખુલ્લી જગ્યા કરવામાં આવે, રાત્રિના ૭ થી સવારના ૭ વાગ્યા દરમિયાન ગૌવંશની હેરફેર ઉપર પ્રતિબંધ, ગૌવંશ ઉપર ક્રૂરતા જેવા ગુનાઓ દાખલ થયા હોય તેવા કેસોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી તેના આરોપીઓને કડકમાં કડક સજા કરવી, ગુજરાત રાજ્યમાંથી ગીર ગાય તેમજ ગૌવંશને ગુજરાત બહાર મોકલવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે તેવી વિવિધ માંગણીઓ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું.