આજરોજ તા. 2/12ના રવિવારે ભરૂચ અને અંકલેશ્વર ખાતે 5 કેન્દ્રો ઉપર લોક રક્ષક દળની પરીક્ષા યોજાનાર હતી. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ પરીક્ષા અંગે ખાસ બંદોબસ્ત અને અન્ય બાબતોની ગોઠવણ કરાઈ હતી. બીજી બાજુ કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારથી લોક રક્ષક દળની પરીક્ષા આપવા માંગતા પરિક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે પરીક્ષા શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું ત્યાં એવી વાતો ફેલાઈ હતી કે પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાના કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવેલ છે. જો કે કેટલોક સમય પરિક્ષાર્થીઓ તેમજ આ પરીક્ષાના આયોજન અંગે સંકળાયેલા પોલીસ તંત્રના કર્મચારીઓ અને વહીવટી તંત્રના અમલદારો આ બાબતને સાચી માનવા તૈયાર ન હતા. તેથી કેટલોક સમય અફરાતફરી અને શંકા કુશંકાનું વાતાવરણ ફેલાયું હતું. પરંતુ ત્યારબાદ સત્તાવાર જાહેરાત થતા આ બાબતે ખૂબ તીવ્ર પ્રત્યાઘાતો બહાર આવ્યા હતા. જેમ કે… પરિક્ષાર્થીઓ દૂર દૂરથી ભાડા ખર્ચીને આવ્યા હતા જેમને ભાડું માથે પડ્યું હતું. તે સાથે હોવી પરીક્ષા ક્યારે યોજાશે તે અંગેની કોઈ જાહેરાત હાલ સુધી ન કરાતાં પરિક્ષાર્થીઓ અવઢવમાં મુકાઈ ગયા છે.