રાજપીપળાના એક વૃદ્ધ સત્સંગ કરવા પોતાના ઘરેથી નીકળ્યા દરમિયાન રમફાટ આવતા એક બાઈક ચાલકે એમને અડફેટે લીધા, અંતે વડોદરા ખાતે બ્રેન હેમરેજના કારણે એમનું કરુણ મોત.
રાજપીપળામાં જેમ દિવસ આથમે તેમ તેમ લબરમુછીયા યુવાનો પોતાની બાઈકો લઈ લઈને રસ્તાઓ પર તમામ નિયમો નેવે મૂકી પોતાની બાઈકો રમરમાટ હંકારતા હોય છે. આ બાઈકારોની અડફેટે જો કોઈ આવી જાય તો એમનું તો આવીજ બન્યું સમજવું.હવે બન્યું એમ કે 1લી નવેમ્બરે રમરમાટ આવતા એક બાઈક ચાલકે એક 80 વર્ષના વૃદ્ધને અડફેટે લીધાઆ અકસ્માતમાં એ વૃદ્ધનું 27 દિવસની સારવાર બાદ બ્રેઇન હેમરેજના કારણે કરુણ મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો.
બનાવની વિગતો મુજબ ગત 1લી નવેમ્બર 2018ના રોજ રાજપીપળાના દોલત બજારમાં રહેતા એક વૃદ્ધ મંગુભાઇ સોમાભાઈ સિકલીગર (ઉ.વ.83) સત્સંગ માટે રાધાસ્વામી મંદિરે જવા પોતાના ઘરેથી નીકળ્યા.તેઓ મંદિરે પહોંચે એ પેહલા જ નજીકની એક્સિસ બેંક પાસે રમફાટ આવતા એક બાઈક ચાલકે એમને અડફેટે લીધા.આ અકસ્માતમાં તેઓને પેહલા રાજપીપળામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અંતે ત્યાંથી ગંભીર હાલતમાં વડોદરા ખાતેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયા.જ્યાં 27 દિવસની સારવાર બાદ ગત 27મી નવેમ્બરે એમનું બ્રેઇન હેમરેજના કારણે એ વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું હતું.જોકે આ મામલે કોઇ જ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી,પોલીસ ફરિયાદ બાબતે મૃતક વૃદ્ધના પુત્રએ જણાવ્યું હતું કે તેઓ પોતાના પિતાની સારવાર કરાવે કે પોલીસ ફરિયાદ નોંધાવે,પોતાના પિતાની સારવાર દરમિયાન અમારા ખાવાના પણ ઠેકાણા ન્હોતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં દિવસે દિવસે બાઈકર ગેંગનો આતંક વધ્યો છે.રાજપીપળાના રસ્તાઓ ઉપર નત નવા પ્રકારના મોટે મોટેથી હોર્ન વગાડતા વગાડતા તમામ નિયમો નેવે મૂકી પોતાની બાઈકો હંકારતા હોય છે.આ બાઈકર ગેંગના સભ્યોને કોઈ ટોકે તો તેઓ એની સાથે દાદાગીરી પણ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.તો રાજપીપળાની દરેક ચોકડી ઉપર હવે એક પોલીસ પોઇન્ટ મુકાય,સગીર વયનું કોઈ પણ બાળક જો બાઈક ચલાવતા પકડાય તો એને તરત રોકી બાઈક ડિટેન કરી એના વાલીને સજા કરવી જોઈએ એવી માંગ હાલ રાજપીપળાના શહેરીજની કરી રહ્યા છે.