ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહત દહેજ જીઆઇડીસીના સુવા ગામ નજીક આવેલ એક કંપનીમાં ત્રણ દિવસ અગાઉ કોન્ટ્રાક્ટ હેઠળ હાઉસ કિપિંગનું કામ કરી રહેલ એક મજૂરના ડાબા પગ ઉપર લોખંડની પ્લેટ પડી હતી. જેના પગલે તેને પગમાં ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. ઘટના બાદ કંપની સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર દ્વારા તેને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબી સારવાર દરમિયાન તેના ડાબા પગ ઉપર લોખંડની પ્લેટ પડતા તેનો પગ ગંભીર રીતે ઘવાયો હતો જેના કારણે તેનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાંથી કંપનીમાં મજૂરી કામે આવેલ આ યુવાનની ઉંમર 17 વર્ષની હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે કંપની શાત્તાધીશો તેમજ કૉન્ટ્રાક્ટરે તેની ઉંમરને છુપાવવાનો પણ પ્રયાસ કરાયો હતો તેવી વાત પણ સાંભળવામાં આવી હતી. ત્યારે કંપની અને કોન્ટ્રાક્ટર દ્વારા બાળ મજૂરીના કાયદાનો ખરેખરો ભંગ કર્યો હોય તેમ લાગી રહ્યું છે.
આ ઉપરાંત દહેજની આ કંપની દ્વારા નીતિ નિયમો નેવે મૂકી પોતાના સ્વાર્થ ખાતર કહેવાતા નાબલિક મજૂરોને કામ ઉપર રાખી છડેચોક કાયદાનો ભંગ કરી અને તેમના કોન્ટ્રાક્ટરો સામે સલામતી તેમજ બાળ મજૂર નાબૂદી વિભાગ લાલ આંખ કરે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.