પીએમ મોદીએ 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.એ બાદ સ્થનિકોએ રોજગારી મુદ્દે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં બે-બે વાર હંગામો મચાવ્યો હતો.ત્યારે સોમવારે કેવડિયા નજીકના ગોરા ગામના અસરગ્રસ્તોએ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે નર્મદા કલેકટર આર.એસ.નિનામાને આવેદનપત્ર આપ્યું હતું.
પોતાના આવેદનપત્રમાં એમણે જણાવ્યું હતું કે સરકારે 1960-61 માં ઉભા પાકનું વળતર ચૂકવી નર્મદા પ્રોજેકટ માટે અમારી જમીન સંપાદિત કરી હતી તે સમયે સરકારે અમારા વડીલોને આ બાબતનું કોઈ લખાણ આપ્યું નહતું.એ બાદ સરકારે આ જમીન માલિકો કે વરસદારોને પૂછ્યા વિના 1987-88માં આ જમીન સ.સ.ન.ની.લિ ના નામે તબદીલ કરી દીધી હતી.તો પીએમ મોદી દ્વારા વર્ષ 2017માં સરદાર સરોવર ડેમનું અને એ બાદ 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયુ છે.તો અમારા ગામના જે લોકોની પડતર જમીન છે એ પાછી આપવા તથા મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશની જેમ જેમની જમીન પર બાંધકામ થયું છે એમને વળતર ચૂકવવા,પરિવારમાંથી પુખ્ત વયના વ્યક્તિને અસરગ્રસ્ત ગણી અસરગ્રસ્તોના તમામ લાભો આપવા તેમજ જે કુટુંબની જમીન નથી ગામમાં ઘર હોય અને ગ્રામ-પંચાયત દફતરે ઘર બોલતું હોય તેવા કુટુંબોને સરકારના ધારાધોરણ મુજબ જે લાભો હોય એ લાભો આપવા અમારી વિનંતી છે.
વધુમાં જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા નિગમમાં અગાઉ વર્ષ 1979-80 માં અમારા વાલીઓને સરકારે વર્ગ 3-4 માં ભરતી કરી નોકરી આપી હતી તે વખતે તમને કોઈ પણ પ્રકારના અસરગ્રસ્તોના લાભો મળશે નહીં એવું જણાવ્યું નથી તો કેમ એવા વ્યક્તિઓને લાભો મળતા નથી?સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ અમારા યુવાનોએ નોકરીની માંગણી કરી હતી.દરમિયાન અમુક યુવાનોને બાથરૂમ સાફ કરવા સહિત અન્ય કામ સોંપાયું હતું આ નોકરી બાબતે અમને લેખિતમાં જ અપાતા અમે એનો વિરોધ કરી આવી નોકરી ન કરવા જણાવ્યું હતું.તો અમારી વિનંતી છે કે અમને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા કાયમી નોકરી અપાય અને એ નોકરીનો અમને લેખિતમાં ઓર્ડર આપવામાં આવે.જ્યાં સુધી અમારી કોઈ પણ માગણીઓનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોઈ પણ જાતની ભરતી થવા દઈએ નહિ એવી ચીમકી પણ અપાઈ હતી.