ગોધરા શહેરના રેડક્રોસ હોલ ખાતે પંચમહાલના કવિ રત્નો દ્વારા નવા વર્ષે “માટીની મહેકનો મુશાયરો” યોજાયો હતો. ગુજરાતના મૂર્ધન્ય કવિ વિનોદ ગાંધીના અધ્યક્ષ સ્થાને જેમાં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કૃત સર્જક ડૉ. રાજેશ વણકર શયદા એવોર્ડ પુરસ્કૃત કવિ ચંદ્રેશ મકવાણાના અતિથિ પદે યોજાયેલ આ મુશાયરામાં જિલ્લા અને ગુજરાતના 25 સર્વકવિશ્રીઓ વિનોદ ગાંધી, ચંદ્રેશ મકવાણા, રાજેશ વણકર, રાકેશ સગર, પ્રવીણ ખાંટ, જૈમિન ઠક્કર, મોહસીન મીર, વિનુ બામણીયા, કૌશિક પરમાર, સતિષચૌહાણ, જીગર ઠક્કર, શૈલેશ ચૌહાણ, સંદિપ ભાટીયા, સાકેત દવે, ફિરોઝખાન પઠાણ, કૌશિક પટેલ, દિલીપસિંહ પુવાર, શૈલેશ ચૌધરી,વિજય વણકર, બળદેવસિંહ રાઉલજી, યુસુફખાન પઠાણ, કવિતા શાહ, પ્રિયાંશુ પટેલ, વનરાજ સોલંકી, જીબીશા પરમારે પોતાની કૃતિઓ રજૂ કરી વાતાવરણ મંત્રમુગ્ધ કરી દીધું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાણીતા કવિઓ ડૉ.રાજેશ વણકર, પ્રવીણ ખાંટ, અને મોહસીન મીરે કર્યું હતું. આમ સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળ રહયો હતો. મુશાયરામાં અમદવાદ, વડોદરા, મહીસાગર, દાહોદ અને તિલકવાડાના કવિઓ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા. નગરજનો અને જિલ્લાના ભાવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કવિઓને ભરપૂર દાદ આપી મુશાયરાને ખૂબ માણ્યો હતો.
મુશાયરામાં રજૂ થયેલ કેટલાક ઉત્તમ શેર…
જે અક્ષરો કાગળ ઉપર આંકયા હતા
એ લાગણી ટાંકણે ટાંક્યા હતા
-વિનોદ ગાંધી
ઉગીશું કૂંપળ થઇ જરા ભેજમાં પણ
સતત જો વહીશું કિનારોની વચ્ચે
-રાજેશ વણકર
લોક લૂંટી જાય છે મંદિર પણ
અર્થ એનો એ જ તું અંદર નથી.
-ચંદ્રેશ મકવાણા’નારાજ’
બે ચાર ક્ષણ જીવીને ફૂટી ગયો છે તો પણ
પરપોટો દાયકાથી સાધક સમીરનો છે
-મોહસીન મીર
તેથી જ તો મહેકુ છું હું
પીડા બધી લોબાન છે
-પ્રવીણ ખાંટ
બિમારીનું ખરું કારણ મને વૈદે કહ્યું
તમોને શહેરમાં તાજી હવા ઓછી પડી
-રાકેશ સગર
ઘણી જૂની અદાવત છે તમારીને અમારી પણ
તમે સુધરી અગર જાઓ અમે નક્કી બગડવાના
-વિનુ બામણીયા
ઉલ્લેખ ના કર્યો મારો પણ સ્મરણ તો છે ને ?
તખ્તા ઉપર તમે, તો પડદામાં હું રહ્યો છું !
-જૈમિન ઠક્કર
તમે પહોંચી શક્યા ના મંઝિલે બસ એ જ કારણથી
અમે રસ્તો જ જોયો તો ફકત ખાડા તમે જોયા
-સતિષ ચૌહાણ
રાજુ સોલંકી, ગોધરા.