અજમેર બ્લાસ્ટના મુખ્ય આરોપી અને સૂત્રધારની આજરોજ ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2007માં અજમેર દરગાહમાં એક બૉમ્બ મૂકી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બૉમ્બ વિસ્ફોટ થતાં 3 જેટલા લોકોના મોત નીપજ્યા હતા તેમજ 15 લોકોને ઈજાઓ પહોંચી હતી. આ બ્લાસ્ટના વોન્ટેડ આરોપી સુરેશ નાયરની ATS દ્વારા આજરોજ ભરૂચના શુકલતીર્થ ગામ નજીકથી ધરપકડ કરવામાં આવી છે.
વર્ષ 2017ની માર્ચમાં સ્પેશ્યલ NIA કોર્ટ દ્વારા આપેલ ચુકાદામાં દેવેન્દ્ર ગુપ્તા, ભાવેશ પટેલ સહિત ત્રણ લોકો દોષી કરાર થયા હતા. જે પૈકી બંને દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત સ્વામી અસીમાનંદ સહિત 7 લોકો નિર્દોષ થઈ મુક્ત થયા હતા. જ્યારે સુરેશ નાયર સહિત 3 આરોપીઓ ફરાર હતા. જેમાંથી આજરોજ સુરેશ નાયરની ધરપકડ થતા ATSને મોટી સફળતા મળી છે.
ગુજરાત ATSના અધિકારીઓને મળેલ બાતમીના આધારે સુરેશ નાયર આગામી દિવસો દરમિયાન ભરૂચના શુક્લતીર્થ ખાતે નર્મદા પરિક્રમા કરવા માટે આવવાનો હોય તે બાબતે શુક્લતીર્થ ગામમાં અલગ અલગ ઠેકાણે નજર રાખવામાં આવતી હતી. તે દરમિયાન ATSની એક ટીમને સુરેશ નાયર શુક્લતીર્થ ગામમાં નજરે આવી ચડ્યો હતો. જેને ઓળખી કાઢી તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. હાલ સુરેશ નાયરને અમદાવાદ ખાતે વધુ પૂછપરછ કરવા હેતુસર લઈ જવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સુરેશ નાયરને NIAને સોંપવામાં આવશે. તેની ધરપકડ પર NIA દ્વારા રૂપિયા બે લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.