અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે ભરૂચ-અંકલેશ્વર રોડ ઉપર આવેલ ગોલ્ડન પામ વિલા સોસાયટીના એક બંધ મકાનને રાત્રી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવીને લાખોની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
ગત શનિવારના રોજ એક બંધ મકાનમાં અંદાજિત 3 લાખ ઉપરાંતની ચોરી થવા પામી હતી મકાનમાલિક નામે બ્રિજ વલ્લભ રામપ્રસાદ સારસ્વત જેઓ આ મકાન બંધ કરીને ઉત્તર પ્રદેશ મથુરા ખાતે ગયા હતા. જે રાત્રી દરમિયાન મકાન માલીકને પાડોશીઓ દ્વારા ફોન કરી જણાવ્યું હતું કે તમારા મકાનમાં ચોરી થઈ છે. જેની જાણ થતાં જ બ્રિજવલ્લભ અંકલેશ્વર ખાતે પોતાના ઘરે આવી પહોંચ્યા હતા ,પોતાના ઘરમાં જોતા તસ્કરોએ આગળના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી તેમજ ઘરવખરીનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. અંદાજિત આ ચોરોએ રૂપિયા ૩,૩૯,૫૦૦ના માલમત્તાની ચોરી કરી સોસાયટીના ખુલ્લા બાજુ નાસી ગયા હોવાનું અનુમાન વર્તાઈ રહ્યું છે. આ ચોરીની ઘટનામાં પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.જે.અમીન પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ચોરીની ઘટનાથી સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અઠવાડિયાની અંદર બે જેટલી ચોરી થવાથી લોકો પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરે એવી માંગણી કરી રહ્યા છે.