દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ દ્વારા ભરૂચના તમામ ધારાસભ્યોને આજરોજ આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા.પ્રત્યેક ધારાસભ્યને ખેડૂત હિતરક્ષક દળના પ્રતિનિધિઓએ આપેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે આપ અમારા વિસ્તારના ખેડૂતોના મતથી ચૂંટાયેલા ધારાસભ્યો છો ત્યારે તારીખ ૧૧/૦૭/૧૯ ના રોજ હર્ષદભાઈ રીબડીયા એક ખાનગી વિધેયક લાવી રહ્યા છે. એમાં ગુજરાતના ખેડૂતોનું સંપર્ણ દેવું માફ કરવાનો કાયદો પસાર કરવાની વાત છે.આપના મત વિસ્તારમાં બહુમતી ખેડૂતોની છે.ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂતોના દેવા માફીના કાયદાની તરફેણમાં મત આપી ગુજરાતના ખેડૂતોને દેવા મુક્ત કરવામાં મદદ કરવા ધારાસભ્યોને વિનંતી કરવામાં આવી છે.વધુમાં જણાવ્યું છે કે ખેડૂતોની આર્થિક સ્થિતિ દિવસે-દિવસે બદથી બદતર બનતી જાય છે.ખેડૂતે લીધેલા બેંકના ધિરાણના વ્યાજ ભારણથી દેવાના ડુંગર નીચે દબાયેલો છે જેને ઉગારવાનો આ સમય છે.કોણ ખેડૂતની પડખે છે અને ખેડૂતની વિરુદ્ધ માં છે તે દૂધ નું દૂધ અને પાણી નું પાણી દેખાડવાના સમયે આ બિલ પરની ચર્ચામાં આપ ખેડૂતોની દેવા મુક્તિની તરફેણમાં મતદાન કરો તેવી વિનંતી ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્યોને કરવામાં આવી છે.