દિનેશભાઇ અડવાણી
ડ્રાયવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અને વસંતમિલની ચાલમાં રહેતા સુરેશ ધુળાભાઈ ગોહિલના ઘરે જી.એસ.ટી.વિભાગે સર્ચ ઓપરેશન પણ કર્યું હતું પરંતુ સર્ચમાં કાંઈ જ ન મળતા અધિકારીઓની ટિમ વિલા મોઢે પાછી ફરી હતી.ભરૂચ શહેરના એમ.જી રોડ પર અડીને આવેલ વસંત મિલ ની ચાલ ખાતેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા સુરેશ ધુળાભાઈ ગોહિલ નામના વ્યક્તિને બે દિવસ પહેલા અચાનક જી.એસ.ટી વિભાગના અધિકારીઓ આવી તેઓનું નામ રૂપિયા ૨૦૦ કરોડ ની કરચોરીમા આવ્યું છે તેમજ તેઓના મકાન ની તપાસ હાથ ધરવામાં આવતા સુરેશ ગોહિલ સહિત વિસ્તારના રહીશોમાં ખળભળાટ મચ્યો હતો.
અધિકારીઓએ ડ્રાઈવર સુરેશ ગોહિલના ઘર માં તપાસ હાથ ધરી હતી તેમજ તેના બેંક એકાઉન્ટ પણ તપાસ્યા હતા.જેમાં કઈ પણ ન મળતા સુરેશ ગોહિલ ના બે મોબાઇલ જપ્ત કરી સમગ્ર મામલા અંગે તેના નામની નોટિસ ફટકારી હતી.તપાસ કરવા આવેલી ટિમે ઝૂંપડપટ્ટી માં રહેતા સુરેશ ને ગોહિલ એન્ટરપ્રાઇઝ ના નામથી ભાવનગર માં ટ્રક અને ગ્રીન સિટીમાં ૪ બંગલા છે તેમ જણાવતા સુરેશ હેબતાઇ ગયો હતો.હાલ તો સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે અને કોઇ ભેજા બાજો દ્વારા સુરેશ ગોહિલ ના દસ્તાવેજોના ઉપયોગ થી સમગ્ર ઘટનાને અંજામ અપાયો હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.ત્યારે સમગ્ર મામલો આગામી દિવસોમાં કંઈ દિશામાં જાય તે જોવું રહ્યું.