દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના કેસોમાં જેમાં નાણાકીય છેતરપિંડીના બનાવમાં ભોગ બન્યા હોય તેમને તાત્કાલિક મદદરૂપ થવા જણાવવામાં આવ્યું છે.જે અનુસંધાને સાઇબર ક્રાઇમની ટિમ હંમેશા આવા બનાવોમાં ભોગ બનનારને ખૂબ મદદરૂપ થાય છે.બનાવની વિગત જોતા તારીખ ૧૬/૫/૨૦૧૯ ના રોજ પાઉલભાઈ હીરાભાઈ વાઘેલા રહે,ગાયત્રીનગર ગુ.હા.બોર્ડ ભરૂચ જેઓ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતું ધરાવે છે તેમની પર કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હું બેંક મેનેજર બોલું છું જેવી ઓળખ આપી તેમની પાસેથી તેમના એ.ટી.એમ કાર્ડની વિગત મેળવી ઓનલાઇન રૂપિયા ૪૯,૯૯૫ ઉપાડી લીધા હતા.જે પૈસા ઉપાડવાનો મેસેજ પાઉલભાઈ પર આવતા તેઓને જાણ થયેલ કે કોઈએ તેમની સાથે નાણાકીય છેતરપિંડી કરી છે.જેથી તેમણે તાત્કાલિક ભરૂચની સાઇબર ક્રાઇમ સેલની કચેરીનો સંપર્ક કરતા ભરૂચ સાયબર સેલની ટીમ દ્વારા તાત્કાલિક એક્શન લઈ તેમના નાણા ૩૭,0૮૫ રિફંડ ઓનલાઈન વોલેટ કંપની મારફતે પરત કરાવ્યા છે.
હાલ એ.ટી.એમ કાર્ડને લગતા બનાવો વધી રહ્યા છે જેથી કોઈ પણ બેંકના નામે ફોન આવે તો તેનો પ્રત્યુત્તર ન આપવો તથા તમારા બેંક ખાતાની કોઈપણ પ્રકારની માહિતી આપવી નહીં અને જો કોઈ આવો બનાવ બને તો તાત્કાલિક જિલ્લાની સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરવો.