દિનેશભાઇ અડવાણી
ભરૂચ બાયપાસ ચોકડી સ્થિત ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના દ્રષ્ટિ વિહોણા બાળકોને થતા અન્યાય સામે અને તેઓને પડતી મુશ્કેલીઓ માટે ભરૂચ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું.આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત એ ગતિશીલ અને વિકસિત રાજ્ય છે તેમ છતાં ફક્ત ૬૦૦ રૂપિયા જેટલી સહાય સંત સુરદાસ યોજના હેઠળ આપવામાં આવે છે અને દિલ્હી તથા હરિયાણા જેવા રાજ્યોમાં ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલી સહાય આપવામાં આવે છે.ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા આ રકમ વધારવા માટે માંગણી કરવામાં આવી છે.વધુમાં આવેદનપત્રમાં જણાવામાં આવ્યું છે કે યોજનાનો લાભ મેળવવા માટે બી.પી.એલ કાર્ડની જરૂરિયાત હોય છે જે વારંવાર ધક્કા ખાવા પછી પણ બનાવી આપવામાં આવતા નથી.તેમજ બી.પી.એલ કાર્ડના ક્રમમાં ૦ થી ૧૬ નંબરનું સર્ટીફીકેટ માંગવામાં આવે છે જે છેલ્લા કેટલાય વર્ષથી સર્વે ન થવાને કારણે આપવામાં આવતું નથી.જેને લઈને ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન,મુખ્યમંત્રી,સમાજ કલ્યાણ અધિકારીને વિનંતી કરવામાં આવી છે કે સરકાર આ બાબતે ધ્યાન આપી રંગરેલીયોથી વંચિત લોકોને મદદરૂપ થઈ પ્રજા સમક્ષ એક સાફ ઉદાહરણ પૂરું પાડે.ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ યસીનદાદાભાઈ દ્વારા દિવ્યાંગો માટે બી.પી.એલ કાર્ડની જરૂરિયાત ન હોવી જોઈએ તેમજ દિવ્યાંગના સર્ટિફિકેટથી અનાજ અને મેડિકલ સહાય મળવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.