ભરૂચ શહેરના મહંમદપુરા વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત સરકારી આવાસોવાળી વસાહત છે. જે તે સમયે સરકાર તરફથી ભુકંપ પીડિતોને આવાસો ફાળવી સંતોષી વસાહતની ચારેય બાજુ તારની વાડ કરી ફેન્સીંગ કરવામાં આવી હતી. આ સંતોષી વસાહતની પાછળ તરફ જવા માટે અવર-જવર માટેનો રાહદારી રસ્તો આવેલ છે. પરંતુ હાલ સદર રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે જેનું સમારકામ કરી આર.સી.સી. રસ્તો બનાવવાની કામગીરી કરવાની હોવાથી રસ્તો બંધ કરવામાં આવેલ હતો. પરંતુ આજુબાજુની સોસાયટીઓના રહીશો દ્વારા સદર રસ્તો જાહેર રસ્તો હોવા છતાં ખોટી રીતે રજુઆત કરી રસ્તો બંધ કરી દીધેલ હતો. પરંતુ જિલ્લા સમાહર્તાના આદેશ અનુસાર આ રસ્તો થોડા સમય માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.
હાલ નુરાની સોસાયટી, બીજલીનગર, સાબેના પાર્ક અને હબીબપાર્કના એન.એ. વખતે મંજુર થયેલ નક્શામાં પણ સંતોષી વસાહતમાંથી અવર-જવરનો કોઈ રસ્તો દર્શાવેલ નથી. ખરેખર આ સોસાયટીઓના રહીશોના અવર-જવરનો રસ્તો દાઉદી વ્હોરા કબ્રસ્તાનની પાસેથી પસાર થતો પાકો રસ્તો આવેલ છે. તેમજ અન્ય બે રસ્તા પણ તેઓના અવર-જવર માટે આવેલ હોવા છતાં આ સોસાયટીઓના રહીશો જબરદસ્તીથી સંતોષી વસાહતના રસ્તાનો વપરાશ કરવા માંગે છે. જેઓ રાત મધરાત તથા દિવસના સમયે પુર ઝડપે મોટર સાઇકલ હંકારી, જોર-જોરથી હોર્ન વગાડી અવર જવર કરે છે. વધુમાં સંતોષી વાસહતના પાછળના ભાગે બાલવાડી તથા શાળા આવેલ હોવાથી બાળકો રસ્તા ઉપર રમતા હોય છે જેના કારણે અકસ્માત થવાનો પણ ભય રહે છે. આ રસ્તા ઉપર રહેતા સ્થાનિકોના આરોગ્યને પણ જોખમ થાય તેવી શક્યતાઓ રહેલ છે. જેના વિરોધમાં આજરોજ અહીંના સ્થાનિક રહીશો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી આ બાબતે યોગ્ય નિવેડો આવે તેવી માંગ કરવામાં આવી હતી.