રાજપીપળા વિશાલ મિસ્ત્રી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબરના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી”નું ભવ્યાતિભવ્ય રીતે લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણના દિવસે ગુજરાતભરના આદિવાસીઓએ વડાપ્રધાન મોદીનો વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આદિવાસીઓની ચીમકીને પગલે કેવડિયા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયુ હતું. નર્મદા જિલ્લાના ડુંગર વિસ્તારોમાંથી કોઈક વિરોધ ન કરે એ માટે ડુંગરો ઉપર પણ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સવારથી જ કેવડિયામાં ઠેર ઠેર પોલીસ કાફલાએ આવતાં જતા એક એક વાહનોનું સઘન ચેકિંગ કર્યું હતું. કેવડિયા ખાતે વડોદરા રેંજ આઈજી અભય ચુડાસમા ખુદ વાહન ચેકિંગ દરમિયાન હાજર રહ્યા હતા.
આદિવાસી સમાજની વિરોધની ચીમકીને પગલે નર્મદા જિલ્લામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ ભારે વિરોધ પ્રદર્શનો થયાં હતાં. જોકે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સૌથી વધુ વિરોધ કરી રહેલા ડૉ. પ્રફુલ્લ વસાવા 30મી બપોરથી જ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. ડો. પ્રફુલ્લ વસાવાને શોધવા રાજપીપળા પોલીસ દ્વારા ઘણા ધમપછાડા કરાયા હતા. પરંતુ 31મીએ સવારે જ ડૉ.પ્રફુલ્લ વસાવા, રાજ વસાવા, ભૂમિત વસાવા સહિતના આગેવાનો રાજપીપળાના રસ્તાઓ પર મોદીનો વિરોધ કરવા ઊતરી પડ્યા હતા. તેઓએ નરેન્દ્ર મોદી ગો બેક… ગો બેક… એવા લોહીથી લખેલા પ્લે કાર્ડ દ્વારા નરેન્દ્ર મોદી મુર્દાબાદના નારા સહિત ઉગ્ર વિરોધ કરતાં વાતાવરણ વધુ બગડે તે પહેલાં જ પોલીસ દ્વારા ડૉ. પ્રફુલ્લ વસાવા, રાજ વસાવા અને ભૂમિત વસાવાની અટકાયત કરવામાં આવી હતી. આદિવાસી એકતા પરિષદના આગેવાન ડો.શાંતિકર વસાવાને તો 30મીએ રાત્રે જ તિલકવાડા પોલીસ દ્વારા ડિટેઇન કરી લીધા હતા. બીજી બાજુ ડૉ. પ્રફુલ્લ વસાવા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસીઓ દ્વારા નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કાળા રંગના ગુબ્બારા છોડી મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારાયા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરતાં ડેડિયાપાડામાં 16, રાજપીપળામાં 7, સાગબારામાં 3 અને આમલેથામાં 5 મળી કુલ 30થી વધુ લોકોને પોલીસે ડિટેઇન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આટલા બધા પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નરેન્દ્ર મોદીનો આદિવાસી સમાજે જોરદાર વિરોધ કર્યો હતો.
પીએમ મોદીએ 31મીએ સવારે 10:30 વાગ્યાની આસપાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન કર્યું હતું. તે જ સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામેના છેડે ટાયરો સળગાવાયાં હતાં. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે કાળો ધુમાડો પણ દેખાઈ રહ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધમાં આદિવાસી સમાજે અગાઉ નર્મદા જિલ્લામાં બંધનું એલાન આપ્યું હતું. તો 31મીએ સવારથી જ રાજપીપળાના અમુક વિસ્તારને બાદ કરતાં ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા અને દેવલિયાનાં બજારો સજ્જડ બંધ રહ્યાં હતાં. જોકે, આ બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. આ બંધ સ્થાનિક વેપારીએ સ્વયંભૂ પાળ્યો હોવાનું વિરોધ કરી રહેલા આદિવાસી સમાજનું કહેવું છે.